Kedarnath Landslide: કચ્છ જિલ્લાના માંડવી ખાતે અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતો યુવક બાબા કેદારનાથના દર્શન માટે ગયો હતો, જ્યાં અણધારી કુદરતી આફતનો ભોગ બનતા તેનું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઉત્તરાખંડમાં પવિત્ર કેદારનાથ ધામના યાત્રા માર્ગ પર અચાનક ભેખડ ધસી પડવાની ઘટના સર્જાઈ હતી. આ સમયે પર્વતીય માર્ગ પરથી પસાર થઈ રહેલા શ્રદ્ધાળુઓ પર ઉપરથી વિશાળ પથ્થરો અને માટીનો કાટમાળ ધસી પડતા અફરાતફરી મચી જવા પામી હતી. જેમાં ગંભીર ઈજાને પગલે ગુજરાતના એક યુવકનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતુ.
આ પણ વાંચો
પ્રાથમિક તપાસમાં યુવકની ઓળખ, રાજેશ ગજરા (29) તરીકે થઈ છે. જેઓ કચ્છ જિલ્લાના માંડવી ખાતે અધિક મદદનીશ ઈજનેર તરીકે સરકારી સેવા આપતા હતા. તેમના આકસ્મિક અને અકાળે અવસાનથી તેમના સાથી કર્મચારીઓ અને અધિકારી વર્ગમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.
બીજી તરફ યુવાન વયે આશાસ્પદ દીકરાના મોતના સમાચાર વતન ભુજ પહોંચતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
હાલ તો સ્થાનિક વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમો દ્વારા ઘટનાસ્થળે જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને માદરે વતન લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
