Vadodara Crocodile Bridge: વડોદરાવાસીઓ માટે મોટા સમાચાર: સયાજીબાગ મગર બ્રિજની ડિઝાઈન તૈયાર, ક્યારથી શરૂ થશે કામ?

આ બ્રિજને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવવાની સાથે સાઈકલ સવારો અને રાહદારીઓ માટે તૈયાર કરવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 25 Nov 2026 04:16 PM (IST)Updated: Wed, 25 Nov 2026 04:16 PM (IST)
vmc-prepares-design-for-rs-12-70-cr-sayajibaug-crocodile-bridge-in-vadodara

Vadodara Crocodile Bridge Design: વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા સયાજી બાગમાં વિશ્વામિત્રી નદી પર ₹12.70 કરોડના ખર્ચે મગરની થીમ આધારિત અનોખો બ્રિજ તૈયાર કરવામાં આવશે. 57 મીટર લાંબા અને 7.80 મીટર પહોળા પ્રસ્તાવિત આ બ્રિજની ડિઝાઈન તૈયાર થઈ ગઈ છે, જે વડોદરાની મગરો સાથેની ઓળખ અને કુદરતી વારસાને ઉજાગર કરશે.

કઈ જગ્યાએ બનશે નવો ક્રોકોડાઈલ બ્રિજ?

સયાજીબાગમાં વિશ્વામિત્રી નદી પર હાલના ફૂટ ઓવરબ્રિજની જગ્યાએ મગરની થીમ આધારિત બ્રિજ બનાવવાનું આયોજન છે. વડોદરા શહેરની ઓળખ વિશ્વામિત્રી નદીમાં વસતા મગરો સાથે પણ જોડાયેલી છે. આ કુદરતી વારસાને ધ્યાનમાં રાખીને બ્રિજની ડિઝાઈનમાં મગરની થીમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અનોખા પ્રોજેક્ટનો હેતુ માત્ર નદી પર અવરજવર માટેનો બ્રિજ બનાવવાનો નથી, પરંતુ તેને પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો માટે જાહેર સ્થળ તથા આકર્ષણના એક કેન્દ્ર તરીકે વિકસાવવાનો પણ છે. આ સાથે વિશ્વામિત્રી નદીમાં મગરો નિહાળી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવાની લાંબા સમયથી પડતર દરખાસ્તને પણ આગળ વધારવામાં આવશે.

મગરનું માથું, પૂંછડી અને ચામડી જેવી ડિઝાઈન

વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના જણાવ્યા અનુસાર, આ બ્રિજની ડિઝાઈનમાં મગરના માથા અને પૂંછડીનો આકાર સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત રેલિંગમાં મગરની ચામડી જેવી પેટર્ન, થીમ આધારિત ફ્લોરિંગ અને ડેકોરેટિવ લાઇટિંગ પણ રાખવામાં આવશે.

આ વિશેષ ડિઝાઇનના કારણે બ્રિજ માત્ર અવરજવરનું માધ્યમ નહીં રહે, પરંતુ સયાજીબાગમાં એક અલગ ઓળખ ધરાવતા પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થઈ શકશે. આ બ્રિજ બનવાથી શહેરમાં લાંબા સમયથી પ્રસ્તાવિત મગર નિહાળવાની સુવિધા સાકાર થવાની દિશામાં પણ આગળ વધી શકશે.

naidunia_image

સાયકલ ટ્રેક અને રાહદારીઓ માટે પણ જગ્યા

પ્રસ્તાવિત બ્રિજની લંબાઈ 57 મીટર અને પહોળાઈ 7.80 મીટર રાખવામાં આવશે. તેની મધ્યમાં 3 મીટર પહોળો સાયકલ ટ્રેક બનાવવામાં આવશે. જ્યારે બંને બાજુ 2-2 મીટર પહોળા રાહદારી માર્ગ તૈયાર કરવામાં આવશે. આ ડિઝાઈનના કારણે સાયકલ સવારો અને પગપાળા ચાલતા લોકો માટે અલગ જગ્યા ઉપલબ્ધ થશે.

મુલાકાતીઓ બ્રિજ પર થોભીને વિશ્વામિત્રી નદી અને તેની આસપાસના કુદરતી વાતાવરણનો નજારો પણ માણી શકશે. બ્રિજ એક સમયે ઓછામાં ઓછા 200 લોકોને સમાવી શકે તે રીતે તૈયાર કરવામાં આવશે. આ બ્રિજનું કુલ ડેક ક્ષેત્રફળ આશરે 445 ચોરસ મીટર હશે. 

બ્રિજ નિર્માણમાં 270 મેટ્રિક ટન સ્ટીલ ઉપયોગ

આ બ્રિજ સિંગલ-સ્પાન સ્ટીલ બ્રિજ હશે. તેમાં 57 મીટર લાંબો સ્ટીલ બોક્સ અને આર્ચ બનાવવામાં આવશે, જેના માટે E-350 ગ્રેડના સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ કરાશે. સમગ્ર પ્રોજેક્ટમાં આશરે 270 મેટ્રિક ટન સ્ટીલ વપરાશે. તેમાંથી 110 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ ખાસ મગરની થીમ આધારિત ડિઝાઇન તૈયાર કરવા માટે કરવામાં આવશે. બ્રિજની બંને બાજુ તેમજ સાઇકલ ટ્રેકની આસપાસ RCC રેલિંગ બનાવવામાં આવશે.

પાયાથી લઈને માળખા સુધી ટેકનિકલ ડિઝાઈન

આ બ્રિજના નદીના ભાગમાં પાયાનું બાંધકામ 1,200 મિમી વ્યાસના પાઈલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. આ માટે M35 ગ્રેડના કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે બ્રિજના સબ-સ્ટ્રક્ચરમાં 1.4 મીટર જાડા RCC આધારસ્તંભો બનાવવામાં આવશે. તેના બાંધકામમાં M40 ગ્રેડના કોંક્રિટનો ઉપયોગ કરવાનું આયોજન છે.

વિશ્વામિત્રી નદીમાં મગરો નિહાળવાની વ્યવસ્થા

આ પ્રોજેક્ટનો એક મહત્ત્વનો હેતુ વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોને નિહાળવા માટે ખાસ વ્યૂઈંગ એરિયા તૈયાર કરવાનો છે. અહીં સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓ મગરોને જોઈ શકશે તેમજ આસપાસના કુદરતી વાતાવરણનો આનંદ માણી શકશે. આ ખાસ પ્રોજેક્ટના માધ્યમથી વડોદરાની ઐતિહાસિક ઓળખ, સાંસ્કૃતિક વારસો અને કુદરતી સંપત્તિનેએકસાથે રજૂ કરવાનો પ્રયાસ છે.