Vadodara: કમાટીબાગમાં બનશે આઈકોનિક ‘ક્રોકોડાઈલ બ્રિજ’, મગરના મોંમાંથી પસાર થવાનો રોમાંચક અનુભવ મળશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રખ્યાત કમાટીબાગ ખાતે વિશ્વામિત્રી નદી પર મગરની થીમ પર ક્રોકોડાઈલ બ્રિજ તૈયાર કરવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 30 Jun 2026 10:18 AM (IST)Updated: Tue, 30 Jun 2026 10:18 AM (IST)
vadodara-kamatibagh-vmccrocodile-bridgeproject-on-vishwamitri-river

Vadodara Crocodile Bridge: વડોદરા શહેરની ઓળખ સમાન વિશ્વામિત્રી નદી અને તેના મગરો હવે શહેરના પ્રવાસન ક્ષેત્રે પણ નજરે પડશે. તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં વડોદરા મહાનગરપાલિકાએ અનોખો પ્રોજેક્ટ રજૂ કર્યો, જેનું નામ ‘ક્રોકોડાઈલ બ્રિજ’ રાખવામાં આવ્યું છે. આ આઇકોનિક બ્રિજ વડોદરાના પ્રખ્યાત કમાટીબાગ ખાતે વિશ્વામિત્રી નદી પર બનાવવામાં આવશે.

અદભૂત ડિઝાઈન: મગરના મોંમાંથી પસાર થવાનો રોમાંચ

આઈકોનિક ‘ક્રોકોડાઈલ બ્રિજ’ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા તેની આકર્ષક અને અનોખી ડિઝાઈન છે. આ બ્રિજને આબેહૂબ મગરના આકારમાં તૈયાર કરવામાં આવશે. બ્રિજની રચના જ એવી રીતે કરવામાં આવી છે કે જ્યારે મુલાકાતીઓ આ બ્રિજ પરથી પસાર થશે, ત્યારે તેમને જાણે કોઈ વિશાળ મગરના ખુલ્લા મોંમાંથી પસાર થઈ રહ્યા હોય તેવો અદભુત અને રોમાંચક અનુભવ મળશે.

naidunia_image

ક્રોકોડાઈલ બ્રિજ: લંબાઈ, પહોળાઈ અને આધુનિક સુવિધા

વડોદરા શહેરનું વિશ્વામિત્રી નદી અને મગરો સાથે વર્ષો જૂનું જોડાણ રહેલું છે, અને વડોદરા મહાનગરપાલિકાનો આ પ્રોજેક્ટ આ ઐતિહાસિક ઓળખને પ્રવાસન સાથે જોડીને શહેરને એક નવી ઓળખ આપવાનો સરાહનીય પ્રયાસ છે. VMC દ્વારા રજૂ કરેલી કોન્સેપ્ટ ડિઝાઇન અનુસાર, આ 'ક્રોકોડાઇલ બ્રિજ' ની વિશેષતા નીચે મુજબ હશે:

  • લંબાઈ અને પહોળાઈ: આ બ્રિજ 57 મીટર લાંબો અને 7.80 મીટર પહોળો હશે.
  • વોકવે અને સાયકલ ટ્રેક: બ્રિજની મધ્યમાં પ્રવાસીઓ માટે 3 મીટરનો સમર્પિત સાયકલ ટ્રેક અને ચાલવા માટે વોક-વે બનાવવામાં આવશે.
  • LED લાઇટિંગ: રાત્રિના સમયે પ્રવાસીઓ બ્રિજના મનમોહક દ્રશ્યો માણી શકે તે માટે ખાસ અદ્યતન LED લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે.

11.25 કરોડનો ખર્ચ અને ભવિષ્યનું 'લેન્ડમાર્ક'

વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામનાર આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 11.25 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માત્ર એક બ્રિજ બનીને નહીં રહે, પરંતુ તે વડોદરા શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટુરિઝમમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

આગામી સમયમાં આ 'ક્રોકોડાઇલ બ્રિજ' વડોદરાના નાગરિકો અને બહારથી આવતા પ્રવાસીઓ માટે એક નવું અને અદભૂત 'લેન્ડમાર્ક' બની રહેશે તેવી પૂરી સંભાવના છે. વડોદરા મહાનગરપાલિકાના આ વિઝનરી પ્રોજેક્ટને કારણે કમાટીબાગની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.