વડોદરામાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, દિવાળી પૂર્વે ફાયર વિભાગની કડક ગાઈડલાઈન

ફાયર વિભાગે ખાસ સૂચવ્યું છે કે બાળકો ફટાકડા ફોડતા હોય ત્યારે તેમની સાથે પરિવારનાવડીલોની ઉપસ્થિતિ અનિવાર્ય છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 22 Oct 2026 08:10 PM (IST)Updated: Thu, 22 Oct 2026 08:10 PM (IST)
diwali-firecracker-safety-ban-timings-vadodara-fire-department-guidelines

Vadodara Firecracker Guidelines: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુપ્રીમ કોર્ટ અને પ્રશાસનના નિયમોને ધ્યાનમાં રાખીને શહેરમાં રાત્રે 10:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ફટાકડા ફોડવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, નિયંત્રિત અને પ્રતિબંધિત વિસ્તારમાં પણ ફટાકડા ન ફોડવાની સૂચના આપવામાં આવી છે.

પ્રકાશ અને ઉલ્લાસના પર્વ દિવાળીની ઉજવણી દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ કે આગ દુર્ઘટના ન સર્જાય, તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા નાગરિકો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શક જાહેર કરવામાં આવી છે. તહેવારના આનંદમાં કોઈ ખલેલ ન પડે અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુસર પ્રશાસને નાગરિકોને કડક સુરક્ષા નિયમોનું પાલન કરવા ખાસ અનુરોધ કર્યો છે.

તહેવારોમાં બાળકોની સુરક્ષા માટે ફાયર વિભાગે ખાસ સૂચવ્યું છે કે બાળકો જ્યારે પણ ફટાકડા ફોડતા હોય ત્યારે તેમની સાથે પરિવારનાવડીલોની ઉપસ્થિતિ અનિવાર્ય હોવી જોઈએ. બાળકો ફટાકડાથી સલામત અંતર જાળવે તેની કાળજી રાખવી જરૂરી છે. વધુમાં, અકસ્માતથી બચવા માટે દાઝી જવાય તેવા સિન્થેટિક કે નાયલોનનાકપડા પહેરવાને બદલે માત્ર સુતરાઉ વસ્ત્રો જ પહેરવાની સલાહ આપવામાં આવી છે.

અન્ય આગોતરી સાવચેતીઓ તરીકે આકાશી ફટાકડા કે રોકેટ સાંકડી ગલીઓ કે ગીચ વિસ્તારોમાં ફોડવાને બદલે ખુલ્લા મેદાનોમાં જ ફોડવા જોઈએ. ફટાકડા ફોડતી વખતે બાકીના ફટાકડાનો જથ્થો નજીકમાં ખુલ્લો રાખવાનું ટાળવું જોઈએ. મકાનની છત કે છાપરા પર રહેલો પ્લાસ્ટિક, લાકડું, કાગળ કે ઘાસ જેવા જ્વલનશીલ સામાન આગનો ભોગ બની શકે છે, તેથી તેને તુરંત ખસેડી લેવો.

ખુલ્લા પ્લોટ અને આસપાસના વિસ્તારની સફાઈ રાખવી તેમજ વાહનો પર જ્વલનશીલ પ્લાસ્ટિકના કવર ઢાંકવાનું ટાળવું. કોઈપણ આકસ્મિક આગની સ્થિતિમાં તાત્કાલિક ઉપયોગ કરી શકાય તે માટે ઘર કે સોસાયટીમાં પાણી ભરેલા ડ્રમ અને બાલ્ટી તૈયાર રાખવા માટે પણ ફાયર વિભાગે નાગરિકોને અપીલ કરી છે.