Vadodara News: તાજેતરમાં સુરત અને લખનઉમાં બનેલી ગમખ્વાર આગની ઘટનાઓ બાદ વડોદરા મહાનગરપાલિકાનું ફાયર વિભાગ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સંપૂર્ણ સજાગ બન્યું છે. શહેરમાં ચાલતા ટ્યુશન અને કોચિંગ ક્લાસીસમાં ફાયર સેફ્ટીના નિયમોના કડક અમલીકરણ માટે ફાયર બ્રિગેડ દ્વારા એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
ફાયર બ્રિગેડની ટીમે ચેકિંગ હાથ ધર્યું
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ ફાયર બ્રિગેડની 7 અલગ-અલગ ટીમો દ્વારા શહેરભરમાં આકસ્મિક ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં આવેલા કુલ 49 ટ્યુશન ક્લાસીસની મુલાકાત લેવામાં આવી હતી. તપાસમાં ફાયર સેફ્ટીના સાધનો, ઈમરજન્સી એક્ઝિટ, પ્રવેશ દ્વારની પહોળાઈ અને વેન્ટિલેશન જેવી પાયાની સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
15 સંસ્થાઓમાં ફાયર સેફ્ટી અંગે બેદરકારી
આ સઘન ચેકિંગમાં કુલ 15 શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટીના નિયમોનો અભાવ અને ગંભીર બેદરકારી સામે આવી હતી. ફાયર વિભાગે આ તમામ 15 સંચાલકોને તાત્કાલિક અસરથી નોટિસ ફટકારી છે અને નિર્ધારિત સમયમર્યાદામાં તમામ સુરક્ષાત્મક ખામીઓ સુધારી લેવા માટે કડક સૂચના આપી છે. આ ઉપરાંત, ભવિષ્યમાં દુર્ઘટના ટાળવા માટે ક્લાસીસના સંચાલકોને ફાયર સેફ્ટીની પૂર્વ તૈયારીઓ અંગે વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે. ફાયર વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો આગામી સમયમાં નિયમોનું પાલન નહીં કરવામાં આવે, તો ક્લાસીસને સીલ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ક્લાસીસ સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો
નોટિસ ફટકારાયેલા મુખ્ય ક્લાસીસ સમર્થ એજ્યુકેશન - અમિતનગર ચાર રસ્તા, દેવ વોકેશનલ ટ્રેનિંગ - VIP રોડ, કેનોન કો. ઇન્સ્ટિટ્યૂટ - વાઘોડિયા રોડ, દીપ પટેલ ક્લાસીસ - વૈકુંઠ ચાર રસ્તા, કોમ્યુટર સેન્ટર - વાઘોડિયા રોડ, કે.એસ. ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ, લિટલ ફ્લોર - તરસાલી, આશુતોષ ક્લાસીસ - મલ્હાર પોઇન્ટ, વડીવાડી, લિટલ જાયન્ટ્સ - ઓ.પી. રોડ, જે.કે. શાહ ક્લાસીસ - વડીવાડી, જે.પી. કી પાઠશાલા - ગોરવા પંચવટી, ગાયત્રી કોચિંગ ક્લાસીસ - મહાવીર હોલ પાસે, વાઘોડિયા રોડ, વિજય શાહ એન્જિનિયરિંગ ક્લાસીસ - સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ઇન્દુ ક્લાસીસ - શંકર ટેકરી રોડ
આ કાર્યવાહીથી ખાનગી ક્લાસીસ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને વાલીઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે સંતોષની લાગણી જોવા મળી રહી છે.
