ખેડાના હરિયાલામાં ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ: CIDની રેડમાં બે આરોપીઓ રૂ. 6.61 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

Vadodara News: ખેડા જિલ્લાના હરિયાલા ગામમાં ગેરકાયદેસર રીતે ચાલતા ગેસ રીફિલિંગના એક મોટા કૌભાંડનો CID (ગાંધીનગર) ની ટીમે પર્દાફાશ કર્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 22 Oct 2026 08:38 PM (IST)Updated: Thu, 22 Oct 2026 08:38 PM (IST)
gas-refilling-scam-busted-in-hariyala-kheda-two-accused-apprehended-in-cid-raid-with-seized-goods-worth-rs-661-lakh

Vadodara News: ખેડા જિલ્લાના હરિયાલા ગામમાં ગેરકાયદેસર રીતે ચાલતા ગેસ રીફિલિંગના એક મોટા કૌભાંડનો CID (ગાંધીનગર) ની ટીમે પર્દાફાશ કર્યો છે. કોઈપણ જાતના સુરક્ષા સાધનો વિના, અત્યંત જોખમી રીતે મોટર અને પાઈપની મદદથી એલપીજી ગેસનું ગેરકાયદે રીફિલિંગ કરી કાળાબજારી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી બે શખ્સોની અટકાયત કરી રૂ. 6.61 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ, હરિયાલા ગામના 'ઝલેબીયા પુરા' વિસ્તારમાં રહેતો છેલા રાણા ભરવાડ પોતાના મકાન અને તેની આસપાસના ભાગમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ચલાવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી સીઆઈડી ટીમને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી છેલા રાણા ભરવાડ અને વિષ્ણુ પરાગ પરમાર નામના બે આરોપીઓને ઝડપી લીધા હતા.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપી છેલા 'આર.કે. ગેસ એજન્સી'માં કોન્ટ્રાક્ટર તરીકે સેવા આપે છે, જ્યારે વિષ્ણુ ડિલિવરીમેન તરીકે કાર્યરત હતો. તેઓ એજન્સીમાં આવતી 'ભારત ગેસ'ની સરકારી બોટલોમાંથી ઇલેક્ટ્રિક મોટર અને પાઇપ વડે ગેસ ચોરીને અન્ય નાના-મોટા ખાલી બાટલાઓમાં ભરતા હતા. ત્યારબાદ ઇલેક્ટ્રિક વજનકાંટા પર વજન કરી, ગ્રાહકોને છેતરવા માટે બાટલા પર કૌશલ્યપૂર્વક કંપનીના બનાવટી પ્લાસ્ટિક સીલ પણ મારી દેતા હતા. આ રીફિલ કરેલા બાટલાઓનું બજારમાં છૂટક રીતે ઓછા ભાવે અનધિકૃત વેચાણ કરવામાં આવતું હતું.

સીઆઈડી ટીમે સ્થળ પરથી ભારત ગેસના નાના-મોટા મળીને કુલ 84 ભરેલા તથા ખાલી બાટલા, એક ટેમ્પો, ગેસ ચઢાવવા માટેની ઇલેક્ટ્રિક મોટર, પાઇપ અને ડિજિટલ વજનકાંટો સહિત કુલ રૂ. 6.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.