Vadodara News:રખડતા શ્વાનના હુમલાથી 5 વર્ષનો માસૂમ લોહીલુહાણ: કાલોલના બેઢિયા ગામે દહેશત, ગ્રામજનોમાં ભારે રોષ

Vadodara News:કાલોલ તાલુકાના બેઢિયા ગામે રખડતા શ્વાનોનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. તાજેતરમાં બનેલી એક હૃદયકંપાવનારી ઘટનામાં શાળાએ જઈ રહેલા 5 વર્ષના અબુધ બાળક પર હિંસક શ્વાને જીવલેણ હુમલો કરી દેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 22 Oct 2026 08:25 PM (IST)Updated: Thu, 22 Oct 2026 08:25 PM (IST)
5yearold-innocent-child-left-bloodied-following-a-stray-dog-attack-panic-in-bedhiya-village

Vadodara News:કાલોલ તાલુકાના બેઢિયા ગામે રખડતા શ્વાનોનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. તાજેતરમાં બનેલી એક હૃદયકંપાવનારી ઘટનામાં શાળાએ જઈ રહેલા 5 વર્ષના અબુધ બાળક પર હિંસક શ્વાને જીવલેણ હુમલો કરી દેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, બેઢિયા ગામનો પાંચ વર્ષીય માસૂમ બાળક ધ્રુવ રાજ સવારના સમયે નિત્યક્રમ મુજબ પોતાની શાળાએ જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક ધસી આવેલા એક આક્રમક શ્વાને ધ્રુવ પર હુમલો કરી દીધો હતો. શ્વાને બાળકના કાનના ભાગે અત્યંત ગંભીર રીતે બચકાં ભરતાં બાળક લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાઈ પડ્યો હતો. બાળક પોતાની જાતને બચાવવા માટે ચીસાચીસ કરી રહ્યો હતો, જેના અવાજથી આસપાસમાંથી સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ભારે મથામણ બાદ શ્વાનને ભગાડીને માસૂમ ધ્રુવને તેના પંજામાંથી છોડાવ્યો હતો.

લોહીલુહાણ અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ધ્રુવને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા બાળકની સઘન સારવાર કરવામાં આવી રહી છે.

સ્થાનિક ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં આતંક મચાવી રહેલા આ એક જ હિંસક શ્વાને ભૂતકાળમાં પણ અનેક લોકોને નિશાન બનાવ્યા છે. અત્યાર સુધીમાં આ શ્વાન ૫ જેટલાં પાલતુ પશુઓ અને ૬થી વધુ ગ્રામજનો પર હુમલો કરી ચૂક્યો છે. વારંવાર બનતા આવા બનાવોના કારણે સમગ્ર બેઢિયા ગામમાં ભારે ભય અને દહેશતનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને નાના બાળકોને શાળાએ મોકલવા અંગે વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

આ ઘટનાને પગલે ગ્રામજનોમાં સ્થાનિક તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોએ વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગ પાસે માંગ કરી છે કે આ હિંસક શ્વાનને તાત્કાલિક ધોરણે પાંજરે પૂરવામાં આવે તેમજ ગામમાંથી રખડતા શ્વાનોના ત્રાસમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.