વાઘોડિયાના ગુતાલ ગામે હત્યા કેસનો ભેદ ઉકેલાયોઃ પ્રેમસબંધમાં ઝઘડા બાદ પ્રેમિકાની હત્યા કરનાર શંકાશીલ પ્રેમીની ધરપકડ

વડોદરાના વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામમાં મળી આવેલા અર્ધ બળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. પોલીસે પ્રેમસંબંધમાં ઝઘડા બાદ પ્રેમિકા લક્ષ્મીબેનની હત્યા કરનાર પ્રેમી વિષ્ણુ મકવાણાની ધરપકડ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 29 Aug 2026 11:12 PM (IST)Updated: Sat, 29 Aug 2026 11:12 PM (IST)
vaghodia-gutal-village-murder-case-solved-savli-man-arrested-for-brutal-murder-of-lover

Vaghodia Gutal Murder Case: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામના સીમાડે આવેલા એક ખેતરની ઓરડીમાંથી ગત 26 ઓગસ્ટના રોજ મળી આવેલા અર્ધ બળેલા મૃતદેહના પ્રકરણમાં પોલીસે મોટો પર્દાફાશ કર્યો છે. સાવલી વિસ્તારમાંથી ગુમ થયેલી મહિલાની હત્યા કોઈ અન્ય નહીં પરંતુ તેના જ સાથે કામ કરતા પ્રેમીએ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં સાવલીના કુખ્યાત શખ્સની ધરપકડ કરીને સમગ્ર રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સાવલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા નટવરનગર વિસ્તારમાં રહેતા લક્ષ્મીબેન પ્રભુદાસ રોહિત ગત 25 ઓગસ્ટથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા તેમની ભારે શોધખોળ કરવામાં આવી રહી હતી.

આ દરમિયાન વાઘોડિયાના ગુતાલથી નવાગામ તરફ જતા માર્ગ પર આવેલી એક ખેતરની ઓરડીમાંથી ઘાસચારાના પુરામાં સળગેલી હાલતમાં તેમનો અર્ધ બળેલો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થળ પરથી મળી આવેલા પુરાવાઓ અને પાકીટના આધારે મૃતકની ઓળખ લક્ષ્મીબેન રોહિત તરીકે થઈ હતી.

આ સનસનાટીભર્યા મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાઘોડિયા પોલીસ સાથે એલસીબી (LCB) અને એસઓજી (SOG) ની ટીમો તપાસમાં જોડાઈ હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સઘન તપાસ હાથ ધરી હતી, જેનાથી હત્યાનો ચોંકાવનારો પર્દાફાશ થયો હતો.

તપાસમાં ખૂલાસો થયો છે કે મૃતક લક્ષ્મીબેન અને આરોપી વિષ્ણુ મકવાણા મંજૂસર સ્થિત એક જ કંપનીમાં સાથે કામ કરતા હતા. આ દરમિયાન બંને વચ્ચે દોઢ મહિના અગાઉ પ્રેમ સંબંધ બંધાયો હતો. ગત 25 ઓગસ્ટના રોજ લક્ષ્મીબેન આરોપી વિષ્ણુની બાઈક પર બેસીને વાઘોડિયાના ગુતાલ ગામે આવ્યા હતા. જ્યાં એક અવાવરું સ્થળે પહોંચ્યા બાદ કોઈ બાબતે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ તકે ઉશ્કેરાયેલા વિષ્ણુ મકવાણાએ લક્ષ્મીબેનને ધારિયાના ઘા ઝીંકીને નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી.

હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીએ પુરાવાનો નાશ કરવા માટે લાશને ખેતરની ઓરડીમાં મૂકીને ઘાસથી સંતાડી દીધી હતી અને બાદમાં પકડાઈ જવાના ડરે લાશને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા માટે તેણે બાઈક અને મોબાઈલ ચોરી થયા હોવાનું નાટક પણ રચ્યું હતું.

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી વિષ્ણુ મકવાણા સામે અગાઉ 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.