Nepal Flood Disaster: નેપાળમાં જળ પ્રલયની ઘટનામાં મૃત્યુઆંક તેમજ લાપત્તા લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. આ હોનારતમાં અત્યાર સુધી 23 ગુજરાતીઓ સહિત 287 ભારતીય નાગરિકો ગુમ થઈ ચૂક્યા છે.
પૂરની ઘટનાને ચાર દિવસ વીતવા છતાં તેમનો કોઈ સંપર્ક ના થતાં વતનમાં તેમના પરિવારજનો ચિંતિત છે. એવામાં મોટી સંખ્યામાં ગુમ થયેલા લોકો તેમજ મૃતકોની ઓળખ માટે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની એક ટીમ નેપાળ જવા રવાના થઈ છે.
ગાંધીનગર FSLના 10 ફોરેન્સિક અધિકારીઓની ટીમ નેપાળમાં ડિઝાસ્ટર વિક્ટિમ આઈડેન્ટિફિકેશન (DVI) કરશે. DNA ફોરેન્સિક હેડના નેતૃત્વમાં આ ટીમ DNA સેમ્પલ મેચિંગ કરશે. જેથી દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોની સાચી સાયન્ટિફિક ઓળખ પ્રસ્થાપિત થઈ શકશે.
કેન્દ્રીય વિદેશ અને ગૃહમંત્રાલયના માર્ગદર્શન હેઠળ આ ટીમ દુર્ઘટના સ્થળેથી મળી આવેલા મૃતદેહો કે અવશેષોના DNA સેમ્પલ એકત્રિત કરશે. જે બાદ તેને ગુમ થયેલા સગા-સબંધીઓના DNA સાથે મેચ કરવામાં આવશે અને પછી પીડિત પરિવારોને સચોટ વિગતો આપવામાં આવશે.
ભોટેો કોશી નદીમાંથી મળી આવેલા 229 મૃતદેહોની સામુહિક દફનવિધી કરાશે
નેપાળના ચિત્તવન જિલ્લાના વિનાશક પૂર બાદ ભોટે કોશી નદીમાંથી અત્યાર સુધીમાં 233 મૃતદેહો મળી આવ્યા છે. જે પૈકી માત્ર 4 મૃતદેહોની જ ઓળખ થઈ શકી છે. જ્યારે બાકીના 229 મૃતદેહોને દેવઘાટમાં નિર્ધારિત જગ્યાએ સામુહિક દફનવિધિ કરવામાં આવશે, કારણ કે આ મૃતદેહો ઝડપથી કોહવાઈ રહ્યા છે, જેના પરિણામે ઈન્ફેક્શન ફેલાવવાનો ખતરો વધી રહ્યો છે.
જો કે મૃતદેહનો નિકાલ કરતાં પહેલા DNA સેમ્પલ લેવામાં આવશે. આ સાથે જ દરેક મૃતદેહ અને માનવ અવશેષોને અલગ યુનિક કોડ આપવામાં આવસે. આ તમામ જાણકારી અને DNA રેકોર્ડ સુરક્ષિત રાખવામાં આવશે. જેથી ભવિષ્યમાં કોઈ પરિવાર દાવો કરે, તો મૃતકની સાચી ઓળખ થઈ શકે.
