વડનગરથી યુવતીના અપહરણ કેસમાં ચોંકાવનારો વળાંક, ભાઈએ મિલકતમાં ભાગ ના આપવા માટે હિંમતનગર લઈ જઈ બળજબરીથી સહી કરાવી

રક્ષાબંધનના દિવસે વડનગરમાં ભાઈ દ્વારા પ્રેમલગ્ન કરનાર બહેનનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેને હિંમતનગર લઈ જઈ પિયરની મિલકતમાં હિસ્સો ન માંગવા માટે બળજબરીથી સહીઓ કરાવી મોડી રાતે વડનગર પરત છોડી દેવામાં આવી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 29 Aug 2026 09:38 PM (IST)Updated: Sat, 29 Aug 2026 09:38 PM (IST)
vadnagar-crime-news-sister-kidnapped-over-property-dispute-forced-to-sign-documents
HIGHLIGHTS
  • હિંમતનગરમાં SPGની કોઈ ઑફિસ જ નથી, યુવતીને બીજે લઈ ગયા હશેઃ લાલજી પટેલ

Vadnagar Crime News : મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં રક્ષાબંધનના પવિત્ર દિવસે જ ભાઈ દ્વારા પ્રેમલગ્ન કરનાર સગી બહેનનું અપહરણ કરવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં ભાઈએ બહેનને પિયરની મિલકતમાં હિસ્સો ના માંગવા બળજબરીથી સહીઓ કરાવીને મોડી રાતે વડનગર ઉતારી મૂકી હતી.

રાખડી બાંધી પરત ફરતી બહેનને બળજબરીથી કારમાં બેસાડી દીધી

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મલેકપુર ગામની વૈદેહી પટેલે આજથી સાતેક મહિના પૂર્વે વડનગર તાલુકાના વખારપુરા ગામમાં રહેતા સચિન ઠાકોર સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. રક્ષાબંધનના દિવસે વૈદેહીના ભાઈ જૈનિલ પટેલે ઈન્સ્ટાગ્રામ પર બહેનને મેસેજ મોકલીને રાખડી બાંધવા માટે વડનગર આવવા કહ્યું હતુ. આથી વૈદેહી પોતાના પતિ અને ભત્રીજી સાથે વડનગરના બહુચર પેટ્રોલ પંપ પાસે ભાઈને રાખડી બાંધવા પહોંચી હતી.

જૈનિલને રાખડી બાંધ્યા બાદ વૈદેહી પતિ સાથે સાસરીમાં પરત જઈ રહી હતી, ત્યારે જ નંબર વગરની એક કાર તેમની નજીક આવી હતી. જેમાંથી ઉતરેલા બે ઈસમોએ વૈદેહી કંઈ સમજે તે પહેલા જ તેને બળજબરીથી કારમાં બેસાડી દીધી હતી, જ્યારે જૈનિલ પણ અપહરણકર્તાઓની કારમાં બેસીને ફરાર થઈ ગયો હતો. આ મામલે વૈદેહીના પતિ સચિન ઠાકોરે વડનગર તાલુકા પોલીસ મથકમાં સાળા જૈનિલ સહિત 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

જો કે મોડી રાતે 1 વાગ્યાની આસપાસ વૈદેહીએ અન્ય વ્યક્તિના ફોનમાંથી સંપર્ક કરતાં તેનો પતિ સચિન વડનગર પોલીસની ટીમ સાથે પહોંચી ગયો હતો અને પત્નીને ઘરે લાવ્યો હતો.

પોલીસ પૂછપરછમાં વૈદેહીએ જણાવ્યું કે, અપહરણ કરીને તેને હિંમતનગર સ્થિત SPGની ઓફિસ લઈ જવામાં આવી હતી. જ્યાં તેના પિયર પક્ષના લોકોએ તેને ઘરે પરત ફરવા માટે સમજાવી હતી, પરંતુ તેણે પતિ સાથે જ રહેવાનું કહેતા આખરે પિયરની કોઈ પણ જમીન કે મિલકતમાં હક્ક-હિસ્સો નહીં માંગવા બાબતના લખાણ ધરાવતા દસ્તાવેજો પર બળજબરીથી સહીઓ કરાવીને મોડી રાતે વડનગર પેટ્રોલ પંપ પાસે ઉતારીને જતા રહ્યા હતા.


બીજી તરફ સરદાર પટેલ ગ્રુપ (SPG)ના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું કે, હિંમતનગરમાં અમારી કોઈ ઑફિસ જ નથી. યુવતીને બીજા કોઈની ઓફિસમાં બેસાડવામાં આવી હશે. યુવતીએ પણ કબૂલાત કરી છે કે, તેને પરિવારના સભ્યો જ વડનગર મૂકી ગયા હતા.