Mehsana: નીતિન પટેલની 'વોટ ચોરી' આક્ષેપ પર ડિબેટ માટે કોંગ્રેસ નેતાઓને ઑપન ચેલેન્જ, કહ્યું-'સત્ય ભાજપની સાથે છે અને જનતા જાણે છે'

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના વૉટ ચોરીના આક્ષેપોને ફગાવતા જણાવ્યું કે, તેમની પાસે કોઈ જનહિતના મુદ્દાઓ ના બચ્યા હોવાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે હવાતિયા મારી રહ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 25 Oct 2026 11:28 PM (IST)Updated: Sun, 25 Oct 2026 11:28 PM (IST)
mehsana-news-nitin-patel-open-debate-challenge-to-congress-leaders-over-vote-chori-allegations

Mehsana: સમગ્ર દેશમાં કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધનની તમામ પાર્ટીઓ 'વોટ ચોરી'ના આક્ષેપ સાથે ભાજપ સરકારને ઘેરી રહી છે. આગામી 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં 'વોટ બચાવો, દેશ બચાવો' અભિયાન અંતર્ગત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલે વોટ ચોરી મુદ્દે ડિબેટ કરવા માટે કોંગ્રેસ નેતાઓને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

ચૂંટણી પંચના અધિકારીઓ પ્રશ્નોથી ભાગી રહ્યા છે

હકીકતમાં મહેસાણા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેલા મહારાષ્ટ્રના સાંસદ શ્યામકુમાર બરવેએ 2024ની લોકસભા ચૂંટણીમાં મોટા પાયે વોટચોરી થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે મહારાષ્ટ્રની કામઠી વિધાનસભા બેઠકનું ઉદાહરણ ટાંકતા બે રૂમના મકાનોમાં 3 હજાર બોગસ મતદારો નોંધાયા હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ ચૂંટણી પંચના જવાબદાર અધિકારીઓ સવાલોથી બચી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

મહારાષ્ટ્ર કોંગ્રેસ સાંસદના આક્ષેપોને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફગાવી દેતા વિપક્ષને જ આડેહાથ લીધુ હતુ. નીતિન પટેલે જણાવ્યું કે, કોંગ્રેસ પાસે જનહિતના કોઈ મુદ્દા બચ્યા ના હોવાથી લોકોનું ધ્યાન ભટકાવવા હવાતિયા મારી રહી છે. હાલ દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગેરકાયદે ઘૂસણખોરોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે વિપક્ષ ઘૂસણખોરોનો પક્ષ લઈને પોતાના રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના નેતાઓને પાયાવિહોણા આક્ષેપ કરવાની ટેવ પડી ગઈ છે.

સત્ય ભાજપની સાથે છે અને જનતા જાણે છેઃ નીતિન પટેલ

આ સાથે જ નીતિન પટેલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત ગુજરાત કોંગ્રેસના કોઈ પણ કોંગ્રેસ નેતાને આ મુદ્દા પર ડિબેડ કરવા માટે ખુલ્લો પડકાર ફેક્યો છે. જેમાં પુરાવાઓ સાથે સાચી હકીકતો જનતા સમક્ષ મૂકીને વિપક્ષના જૂઠ્ઠાણાનો જવાબ આપવામાં આવશે. આટલું જ નહીં, આ માટે નીતિન પટેલે અમદાવાદ આવવાની પણ તૈયારી દર્શાવી હતી.

વધુમાં તેમણે કોંગ્રેસ નેતા અને કાર્યકરોને અપીલ કરી કે, તેમણે ગુજરાતની જનતાને ગેરમાર્ગે ના દોરવી જોઈએ, કારણ કે સત્ય ભાજપની સાથે છે. આ વાત ગુજરાત તેમજ ભારતની જનતા સારી રીતે જાણે છે.