વિસતપુરા હુમલા કેસમાં નવો વળાંકઃ ગંભીર ઘાયલ યુવકે અમદાવાદ સિવિલમાં દમ તોડતાં હત્યાની કલમ ઉમેરાઈ, મુખ્ય આરોપીની ધરપકડ

મહેસાણાના વિસતપુરામાં નજીવી બાબતે થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ યુવકનું અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું. કડી પોલીસે હત્યાની કલમ ઉમેરીને મુખ્ય આરોપી મયુરકુમાર પટેલની ધરપકડ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 24 Oct 2026 07:48 PM (IST)Updated: Sat, 24 Oct 2026 07:48 PM (IST)
mehsana-news-youth-injured-in-visatpura-assault-dies-of-brain-hemorrhage-accused-mayur-patel-arrested

Mehsana: આજથી 5 દિવસ પહેલા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિસતપુરા ગામમાં નજીવી બાબતે જીવલેણ હુમલો કરવામાં આવતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે કડી પોલીસે હત્યાની કલમ ઉમેરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.


મોંઢા પર મુક્કા મારીને માથું પકડી રિક્ષા સાથે ભટકાવતા બ્રેઈન હેમરેજ

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત 19 ઓક્ટોબરના રોજ વિસતપુરા ગામમાં રહેતા ઈશ્વરજી ઠાકોર સાથે ગામના જ મયુરકુમાર પટેલે ગાળો બોલવા બાબતે માથાકૂટ કરી હતી. આ દરમિયાન બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મયુરકુમારે ઈશ્વરજીના મોંઢા પર આડેધડ મુક્કા મારી દીધા હતા. આટલું જ નહીં, ઈશ્વરજીનું માથું પકડીને રિક્ષા સાથે જોરથી અથડાવ્યું હતુ. જે બાદ લોકો એકઠા થતાં મયુરકુમાર ઈશ્વરજીને મારી નાંખવાની ધમકી આપીને ભાગી ગયો હતો.

આ ઘટના બાદ ઈશ્વરજીને માથા અને આંખના ભાગે સતત દુખાવો રહેતો હતો. જ્યારે બે દિવસ પહેલા તેમના ચહેરા પર સોજો દેખાતા પરિવારજનો તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ઈશ્વરજીની હાલત નાજુક જણાતા આખરે તેમને અમદાવાદની સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબી તપાસમાં ઈશ્વરજીને બ્રેઈમ હેમરેજ થયાનું નિદાન થયું હતુ.

બે દિવસ સુધી વેન્ટિલેટર પર સારવાર લઈ રહેલા ઈશ્વરજીએ આખરે હોસ્પિટલ બિછાને દમ તોડતા હુમલાનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ મામલે કડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને મયુરકુમારની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.