Devbhumi Dwarka: ગુજરાતમાં વરસાદની ઘટના પરિણામે નુકસાનની ભીતિને પગલે ચિંતાતુર ખેડૂતોનો અવાજ બુલંદ કરવા માટે આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં ધરણાં પર બેસી ગયા છે. 'દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ'નો મુખ્ય ઉદ્દેશ્ય પાણીની કમીના કારણે પાક નુકસાનીનો સામનો કરી રહેલા ખેડૂતોને ન્યાય અને રાહત આપવાનો છે.
ઈસુદાન ગઢવીના સત્યાગ્રહને પ્રથમ દિવસે આંશિક જીત મળી, સરકારનો આભાર માન્યો
'દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ' અંગે ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, અમારા આંદોલનનો પ્રથમ દિવસ ખૂબ જ સફળ રહ્યો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આજે જ સરકાર દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકાના ડેમોમાં સૌની યોજના હેઠળ પાણી છોડવાની જાહેરાત કરી તેને આપ પ્રમુખે પોતાના સત્યાગ્રહની આંશિક જીત ગણાવતા જણાવ્યું કે, સરકારે પહેલી આંશિક માંગણી સ્વીકારી તે બદલ આભાર. આ ખેડૂતો અને ખેડૂતોની એકતાની જીત છે, હું તો માત્ર નિમિત્ત છું.
હવે પાણી છોડાયું કે નહીં, તે ચેક કરવા માટે મારી ટીમોને મોકલીશ. મારી સરકારને અપીલ છે કે, ઝડપથી દુષ્કાળ જાહેર કરે, ઘાસચારાનું વિતરણ કરે અને ખેડૂતોના વીજળી બિલ માફ કરે.
વરસાદ ખેંચાતા અનેક ભાગોમાં દુષ્કાળની ગંભીર સ્થિતિ
ઈસુદાન ગઢવીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ વર્ષે ગુજરાતના અનેક ભાગોમાં નહીવત વરસાદ થયો છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ખૂબ જ ઓછો વરસ્યો છે. પાણીની ઘટના કારણે ખેતરમાં ઊભો પાક સૂકાઈ રહ્યો છે. જેના પરિણામે ખેડૂતોની હાલત કફોડી બની છે.
જ્યાં સુધી સરકાર અમારી તમામ માંગણીઓ સ્વીકારીને ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર નહીં કરે, ત્યાં સુધી તેમને ધરણાં યથાવત રહેશે. આ સાથે જ ઈસુદાને ગુજરાતના ખેડૂતોને અપીલ કરી છે કે, તેઓ જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને પોતાના અધિકારની આ લડાઈમાં એકજૂટ થાય, જેથી સરકારને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે મજબૂર કરી શકાય.
