Nepal Flash Flood: 40 મકાન અને 6 પુલ તણાયા, 150થી વધુ પ્રવાસીઓ ફસાયા; 10 લોકો લાપતા

બુઢી ગંડકી જળવિદ્યુત પ્રોજેક્ટના કન્સ્ટ્રક્શન કેમ્પ અને સાધન-સામગ્રીને પૂરના પાણીથી ભારે નુકસાન પહોંચ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 12 Oct 2026 10:30 AM (IST)Updated: Mon, 12 Oct 2026 10:30 AM (IST)
nepal-flood-budhi-gandaki-river-houses-bridges-destroyed-150-tourists-stranded-10-missing
Nepal Flash Flood

Nepal Flash Flood: નેપાળના મનાસલૂ ટ્રેકિંગ વિસ્તારમાં બુઢી ગંડકી નદીમાં રવિવારે વહેલી સવારે આવેલી વિનાશક પૂરથી ભારે તારાજી સર્જાઈ છે. આ ભયાનક આપદામાં આશરે 40 ઘર, છ પુલ અને જળવિદ્યુત માળખું પાણીમાં વહી ગયા છે. જ્યારે 10 લોકો લાપતા હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં 150થી વધુ વિદેશી પ્રવાસીઓ રસ્તામાં ફસાઈ ગયા છે અને હાલ રાહત તથા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

150 લોકો ફસાયા, સેનાએ 49 લોકોને ઉગાર્યા

ટ્રેકિંગ સીઝન હોવાના કારણે આ પૂરના લીધે 150થી વધુ વિદેશી પ્રવાસીઓ રસ્તામાં અટવાઈ પડ્યા છે. જોકે, સમયસર મોકલવામાં આવેલા SMS એલર્ટના કારણે અનેક સ્થાનિક લોકો સુરક્ષિત ઊંચા વિસ્તારો તરફ ખસી ગયા, જેનાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી. હાલમાં રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. સેના અને રાહત એજન્સીઓએ અત્યાર સુધીમાં 49 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. અધિકારીઓએ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાનો આદેશ આપ્યો અને નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જારી કર્યું છે.

અચાનક આવ્યો કાટમાળ, લોકોમાં અફરાતફરી

રવિવારે સવારે 4 વાગ્યે બુઢી ગંડક નદીમાં અચાનક આવેલ કાટમાળથી ભરેલા ધસમસતા પૂરે ભારે વિનાશ વેર્યો છે. અચાનક આવેલા પૂર બાદ આસપાસના ઝરણાં અને પ્રવાહમાંથી જોરદાર અવાજ સંભળાતા જ ચુમલિંગ અને લોકપા જેવી વસાહતોના લોકો તથા ત્યાં રોકાયેલા પ્રવાસીઓ જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળ તરફ ભાગી છૂટ્યા હતા.

અધિકારીઓને આશંકા છે કે ભૂસ્ખલનના કારણે કોઈ સહાયક નદીનો પ્રવાહ અસ્થાયી રૂપે અટકી ગયો હતો, જેનાથી મોટી માત્રામાં પાણી અને કાટમાળ એકઠો થઈ ગયો હતો. બાદમાં આ અવરોધ દૂર થતાં પાણી અત્યંત તીવ્ર વેગથી નીચે તરફ વહ્યું હતું. જોકે, તંત્ર હજુ સુધી પૂરના ચોક્કસ કારણ જાણી શક્યું નથી.

શાળા નષ્ટ, 10 લોકો લાપતા અને સંપર્ક કપાયો

આ આપદામાં ઊંગિલુંગ નદી પાસે રહેતા પાંચ લોકો, જેમાં બે મહિલાઓ અને ત્રણ પુરુષો સામેલ છે, તથા આશરે ચારથી પાંચ માલધારીઓ હજુ પણ ગુમ છે. પૂરના કહેરથી લગભગ 40 ઘરો અને એક પ્રાથમિક શાળા સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યા છે, જ્યારે અન્ય 20 થી 22 મકાનો પર પણ ધસી પડવાનું જોખમ તોળાઈ રહ્યું છે. પૂરના કારણે છ પુલ તણાઈ જતા દૂર-દૂરના ગ્રામીણ વિસ્તારોમાં સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે.

જળવિદ્યુત પ્રોજેક્ટ, મોનીટરીંગ સ્ટેશનને નુકસાન

સલ્લેરીમાં નિર્માણાધીન 341 મેગાવોટના બુઢી ગંડકી જળવિદ્યુત પ્રોજેક્ટના કન્સ્ટ્રક્શન કેમ્પ અને સાધન-સામગ્રીને પણ પૂરના પાણીએ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. અરુઘાટમાં બુઢી ગંડકી નદીનું જળસ્તર 5 મીટરના ભયજનક નિશાનને વટાવીને 8.4 મીટર સુધી પહોંચી ગયું હતું. પાણીના પ્રચંડ પ્રવાહમાં મોનિટરિંગ સ્ટેશન પણ તણાઈ ગયું છે, જેના કારણે જળસ્તરનો ચોક્કસ આંકડો એકત્ર કરવામાં અવરોધ ઊભો થઈ રહ્યો છે.

તંત્ર દ્વારા અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ જારી

આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે ધાદિંગ, તનાહું, ચિતવન તેમજ પૂર્વ અને પશ્ચિમ નવલપરાસી જિલ્લામાં લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસી જવાની ચેતવણી આપી છે. આ સાથે જ ત્રિશૂલી અને નારાયણી નદીના કાંઠાના વિસ્તારમાં રહેતા નાગરિકોને નદીના કિનારાથી દૂર રહેવાની કડક સલાહ આપવામાં આવી છે.