Vadodara Woman Suicide: સંસ્કારી નગરી વડોદરાના ગોરવા વિસ્તારમાં આજે સવારે એક આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે. ગોરવામાં આવેલી સ્વામી વિવેકાનંદ હાઈટ્સમાં રહેતી 34 વર્ષીય પરિણીતાએ લાંબી બીમારીથી કંટાળીને બિલ્ડિંગના અગિયારમા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. આ ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
11મા માળથી પરિણીતાએ પડતું મૂક્યું
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, 34 વર્ષીય સંગીતાબેન પતિ પ્રિતેશભાઈ અને પરિવાર સાથે ગોરવા ITI પાસે આવેલા સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-1 ના ટાવર-C માં રહેતા હતા. આજે વહેલી સવારે જ્યારે પરિવારના સભ્યો દૈનિક કાર્યમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક સંગીતાબેને પોતાના ફ્લેટની ગેલેરીમાંથી નીચે પડતું મૂક્યું હતું.
મહિલાએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો
11મા માળેથી નીચે પડવાના જોરદાર અવાજને કારણે આસપાસના રહીશો દોડી આવ્યા હતા. ઊંચાઈ પરથી પડવાના કારણે ગંભીર ઈજા થવાથી સંગીતાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો સંભાળ્યો હતો.
બીમારી મોતનું કારણ બન્યાની આશંકા
પરિવારજનોના જણાવ્યા અનુસાર, સંગીતાબેન લાંબા સમયથી ગંભીર શારીરિક બીમારીઓનો સામનો કરી રહ્યા હતા. તેઓને કમળો (Jaundice) અને પેટમાં ચાંદા (Ulcers) જેવી ગંભીર તકલીફ હતી. સતત સારવાર લેવા છતાં તેમની તબિયતમાં કોઈ નોંધપાત્ર સુધારો આવતો ન હતો. શારીરિક પીડા અસહ્ય બનતા તેઓ માનસિક રીતે હતાશામાં સરી પડ્યા હતા.
આ પણ વાંચો: Vadodara: પૂર્વ મેયરના ભાઈ કલ્પેશ ડાંગરની ગુંડાગર્દી? પોલીસની હાજરીમાં જીવલેણ હુમલો કર્યાનો આક્ષેપ
આ બીમારીથી છુટકારો મેળવવા માટે જ તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. માત્ર 34 વર્ષની નાની વયે મહિલાએ જીવન ટૂંકાવતા, તેમના બે માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે, જેનાથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
પાડોશીઓ-પરિવારના નિવેદન લીધા
આ દુર્ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તેને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ આત્મહત્યા પાછળ અન્ય કોઈ દબાણ કે કારણ તો જવાબદાર નથી ને, તે સ્પષ્ટ કરવા માટે પોલીસ પાડોશીઓ અને પરિવારજનોના નિવેદન નોંધી રહી છે.
(નોંધ: માનસિક તણાવ કે બીમારીના સમયે હિંમત ન હારો. જો તમે અથવા તમારા પરીચિત આવી સ્થિતિમાં હોય, તો મનોચિકિત્સક અથવા હેલ્પલાઇન નંબરની મદદ લો. જીવન અમૂલ્ય છે.)
