Vadodara: વડોદરાના પૂર્વ મેયરના ભાઈ કલ્પેશ ડાંગરની ગુંડાગર્દી? પોલીસની હાજરીમાં જીવલેણ હુમલો કર્યાનો આક્ષેપ

આરોપી કલ્પેશ ડાંગર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 28 Mar 2026 09:37 AM (IST)Updated: Sat, 28 Mar 2026 09:37 AM (IST)
vadodara-former-mayors-brother-kalpesh-dangar-alleged-attack-in-karjan
HIGHLIGHTS
  • કલ્પેશ ડાંગર સામે હુમલાનો આરોપ
  • રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બન્યો બનાવ
  • પોલીસકર્મીની હાજરીમાં હુમલો થયો

Vadodara Crime News: કરજણના રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભારોભાર ડ્રામા અને હિંસાના દ્રશ્યો સર્જાયા છે. વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગર અને તેની ટોળકી પર, પોલીસની હાજરીમાં જ ફ્યૂચર સોલાર કંપની અને સિક્યુરિટી એજન્સીના કર્મીઓ પર જીવલેણ હુમલો કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટનામાં ફાયરિંગ થયાના પણ આક્ષેપ છે. 

કલ્પેશ ડાંગરની ટોળકીએ કર્યો હુમલો 

ફ્યૂચર સોલાર કંપનીએ રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક ગોડાઉન ભાડે રાખેલું હતું. ગતરોજ કંપનીના કર્મચારીઓ અને સિક્યુરિટી એજન્સીના માણસો ટ્રેલર લઈને આ ગોડાઉન ખાલી કરવા પહોંચ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. સિક્યુરિટી ગાર્ડ સાનુ પિલ્લાઈના જણાવ્યા મુજબ, તેઓ ગેટ પાસે પહોંચ્યા ત્યારે તેમના પર હુમલો થયો હતો.

કલ્પેશ ડાંગર અને 10 જેટલા શખ્સોએ ધારિયા જેવા મારક હથિયારો સાથે તેમના પર હુમલો કરી દીધો હતો. પરિસ્થિતિ વણસતા 112 પર કોલ કરીને પોલીસને બોલાવવામાં આવી હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પોલીસની હાજરીમાં પણ હુમલાખોરો બેફામ બનીને હુમલો કરતા રહ્યા હતા.

પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો

પીડિતોના આક્ષેપ મુજબ, ડાયલ 112 ‘જનરક્ષક’ના જવાનો હુમલાખોરોને રોકવાના બદલે પોતાની સુરક્ષા માટે દૂર ખસી ગયા હતા. કલ્પેશ ડાંગરે પોલીસની સામે જ બંદૂક કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું CCTV ફૂટેજમાં કેદ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ જીવલેણ હુમલામાં સાનુ પિલ્લાઈ અને દેવેન્દ્રસિંહ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી, અને તેમને લોહીલુહાણ હાલતમાં વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પક્ષ-વિપક્ષના નિવેદનો

કર્મચારી સાનુ પિલ્લાઈએ દાવો કર્યો છે કે, "પોલીસના બોડી વોર્ન કેમેરામાં બધું કેદ છે. કલ્પેશ ડાંગરે પોલીસ સામે જ ફાયરિંગ કર્યું અને અમને જાનથી મારવાનો પ્રયાસ કર્યો."

પૂર્વ મેયર ભરત ડાંગરે પોતાના ભાઈનો બચાવ કરતા કહ્યું કે, "ફાયરિંગની વાત તદ્દન ખોટી છે. મારા ભાઈ પાસે લાઇસન્સવાળું હથિયાર છે, પરંતુ હુમલો સામેના પક્ષે કર્યો હતો અને હવે સમાધાન થઈ ગયું છે."

કરજણ પોલીસના PI બી.એમ. પટેલે ફાયરિંગની વાતને નકારી કાઢી છે અને જણાવ્યું છે કે, ભાડા બાબતે વિવાદ હતો તથા હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.

કલ્પેશ ડાંગરનો ગુનાહિત ઇતિહાસ

કલ્પેશ ડાંગર અગાઉ પણ અનેક વખત વિવાદમાં રહી ચૂક્યા છે. તેમનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો...

  • 2015: જુગારધામ પર દરોડા દરમિયાન ધરપકડ.
  • 2017: એક યુવકને ધમકાવવાનો કેસ.
  • 2024: વર્લ્ડ કપની ઉજવણી દરમિયાન રેસ્ટોરન્ટમાં વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના.

કલ્પેશ ડાંગરનું નામ અવારનવાર ગુંડાગર્દીના કિસ્સાઓમાં ઊછળતું રહ્યું છે. હાલમાં આ ગંભીર ઘટનામાં પોલીસની ઢીલી કામગીરી અને ‘સમાધાન’ કરાવવાના થઈ રહેલા પ્રયાસોને લઈને લોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.