Vadodara: તરસાલીના તબીબનું બ્યુટીપાર્લર ચલાવતી યુવતી પર દુષ્કર્મ, લગ્નની લાલચ આપીને ઘરે બોલાવી લાજ લૂંટી

આરોપી તબીબના અન્ય યુવતી સાથે લગ્ન નક્કી થતાં પીડિતાએ વિરોધ કર્યો તો તેની બહેને મારઝૂડ કરી, જ્યારે માતા-પિતાએ જાતિ વિષયક અપશબ્દો બોલીને અપમાન કર્યું હતુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 27 Mar 2026 10:09 PM (IST)Updated: Fri, 27 Mar 2026 10:09 PM (IST)
vadodara-news-doctor-accused-of-repeated-rape-on-pretext-of-marriage
HIGHLIGHTS
  • વીજ કરંટની સારવાર માટે તબીબ પાસે જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો

Vadodara: શહેરના તરસાલી વિસ્તારમાં ક્લિનિક ચલાવતા એક તબીબે લગ્નની લાલચ આપીને બ્યુટી પાર્લર ચલાવતી 28 વર્ષીય યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યા બાદ બીજી યુવતી સાથે સગાઈ કરી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે પીડિત યુવતીની ફરિયાદના આધારે ગોરવા પોલીસે તબીબ સહિત તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી યુવતીને વીજ કરંટ લાગતા તે સારવાર માટે મૂળ દાહોદના અને હાલ વડોદરામાં પ્રેક્ટિસ કરતાં 32 વર્ષીય તબીબ પાસે ગઈ હતી. આ દરમિયાન બન્ને વચ્ચે થયેલો પરિચય આગળ જતાં પ્રેમમાં પરિણમ્યો હતો. તબીબ પોતે ડાઈવોર્સી હોવાથી તેણે યુવતીને લગ્નની લાલચ આપીને પોતાના ઘરે બોલાવતો અને તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સબંધો બાંધતો હતો.

જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું, તો આરોપી તબીબ ગલ્લાતલ્લા કરવા લાગ્યો. આ દરમિયાન ડોક્ટરના પરિવારે તેના લગ્ન અન્ય યુવતી સાથે નક્કી કરવામાં આવતા યુવતીએ વિરોધ કર્યો. આ સમયે તબીબની બહેને પીડિત યુવતી સાથે મારઝૂડ કરી હતી. તેમજ આરોપીના માતા-પિતાએ પણ જાતિ વિષયક અપશબ્દો બોલીને અપમાન કર્યું હતુ.

આ મામલે યુવતીની ફરિયાદના આધારે ગોરવા પોલીસે આરોપી તબીબ, તેની બહેન અને માતા-પિતા વિરુદ્ધ દુષ્કર્મ તેમજ એટ્રોસિટી એક્ટની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઘટનાની ગંભીરતાને જોતા આ કેસની તપાસ એસસી-એસટી સેલના ACP સી.બી. સોલંકીને સોંપવામાં આવી છે.હાલમાં મુખ્ય આરોપી ડોક્ટર ફરાર છે, તેને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત છે.