Vadodara News: વડોદરા શહેરમાં લગ્નના ખોટા વાયદા આપીને ઉત્તરપ્રદેશની યુવતીનું શારીરિક શોષણ થયાની ફરિયાદ મકરપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે. 27 વર્ષીય યુવતીએ આક્ષેપ કર્યો કે, આરોપી ચંદન ડાભીએ તેને લગ્ન કરવાની લાલચ આપીને વિશ્વાસમાં લીધી અને અલગ-અલગ સ્થળોએ લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં, આરોપીએ અંગત પળોનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હોવાની પણ શંકા વ્યક્ત કરી છે.
લગ્ન કરવાનો વાયદો કરી બાંધ્યો સંબંધ
પોલીસ ફરિયાદમાંથી મળતી વિગતો અનુસાર, પીડિત યુવતીને સિટી બસના ડ્રાઈવર ચંદન ડાભી સાથે પરિચય થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. આ સંબંધનો ગેરલાભ ઉઠાવીને ચંદન યુવતીને પોતાની બાઈક પર બેસાડી એક હોટલમાં લઈ ગયો હતો. ત્યાં તેણે યુવતીને લગ્ન કરવાની ખાતરી આપીને પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો.
સતત શારીરિક શોષણ કરી ધમકી આપી
ત્યારબાદ આરોપીએ યુવતીની લાગણીનો દુરુપયોગ કરીને તેની પાસેથી સમયાંતરે ટુકડે-ટુકડે આર્થિક રકમ પણ પડાવી હતી. આ શોષણનો સિલસિલો અહીં અટક્યો નહોતો. આરોપીએ જાંબુઆ બ્રિજ નજીક એક કારની અંદર પણ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, જ્યાં તેણે અંગત પળોનો વીડિયો ઉતાર્યો હોવાની યુવતીને દહેશત છે.
આ ઉપરાંત, યુવતીને લઈને આરોપી પોતાના એક મિત્રના રૂમ પર ગયો હતો અને ત્યાં પણ કપડાંની ખરીદી કરાવવાના બહાને બોલાવીને તેની સાથે શારીરિક શોષણ કર્યું હતું. સમય જતાં જ્યારે યુવતીએ લગ્ન બાબતે દબાણ કર્યું ત્યારે આરોપીએ પોતાનું અસલી રૂપ બતાવ્યું અને અસભ્ય વર્તન શરૂ કરી દીધું હતું.
પીડિતાએ આરોપી સામે નોંધાવી ફરિયાદ
પીડિત યુવતીની ફરિયાદ અનુસાર, આરોપી ચંદન ડાભીએ અસભ્ય વર્તન કરી ગાળાગાળી કરી હતી અને જો આ બાબત કોઈની પણ સમક્ષ જાહેર કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની ધમકીઓથી ડરી ગયેલી યુવતીએ આખરે હિંમત એકઠી કરીને પોતાના માતા-પિતાને સઘળી આપવીતી જણાવી હતી.
પરિવારજનોએ પોતાની પુત્રીને સાંત્વના અને હિંમત આપીને ન્યાય માટે પોલીસનો સહારો લેવા સમજાવી હતી. જે બાદ યુવતીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ મકરપુરા પોલીસે પીડિત યુવતની ફરિયાદના આધારે આરોપી ચંદન ડાભી સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવા સહિતની આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.
