વડોદરાના ખોડિયારનગર તળાવ પાસે છેડતીનો બનાવઃ વારંવાર હેરાન કરતા યુવકને યુવતી અને પરિવારે ચપ્પલ વડે ભાન કરાવ્યું

ખોડિયારનગર વિસ્તારમાં રહેતી એક યુવતીને છેલ્લા કેટલાક સમયથી એક યુવક દ્વારા વારંવાર હેરાનગતિ કરવામાં આવી રહી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 24 Nov 2026 12:25 PM (IST)Updated: Tue, 24 Nov 2026 12:25 PM (IST)
vadodara-news-family-confronts-man-accused-of-harassing-young-woman

Vadodara News: વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડિયારનગર તળાવ નજીક જાહેરમાં છેડતી અને હેરાનગતિનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સતત પીછો કરી હેરાન કરતા એક યુવકને યુવતી અને તેના પરિવારજનોએ જાહેરમાં જ બરાબરનો પાઠ ભણાવ્યો હતો. છેડતીથી ત્રાસેલા પરિવારે રોમિયોને પકડીને જાહેરમાં ધોલાઈ કરી હતી અને યુવતીએ ચપ્પલ વડે ફટકારીને તેની માફી મંગાવી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ભારે ચર્ચા જાગી હતી.

મળતી માહિતી મુજબ, ખોડિયારનગર વિસ્તારમાં રહેતી એક યુવતીને છેલ્લા કેટલાક સમયથી એક યુવક દ્વારા વારંવાર હેરાનગતિ કરવામાં આવી રહી હતી. યુવક અવરજવર દરમિયાન તેનો પીછો કરતો અને અભદ્ર વર્તન કરી પરેશાન કરતો હતો. શરૂઆતમાં યુવતીએ આ બાબતને નજરઅંદાજ કરવાનો અને શાંતિથી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવકની હિંમત દિવસેને દિવસે વધી રહી હતી.

આખરે, સતત થતી હેરાનગતિથી કંટાળીને યુવતીએ સમગ્ર હકીકત પોતાના પરિવારજનોને જણાવી હતી. પોતાની દીકરીની સુરક્ષા અને સન્માન સામે ખતરો ઊભો થતા પરિવારજનો પણ રોષે ભરાયા હતા. ત્યારબાદ ખોડિયારનગર તળાવ નજીક યુવક ફરીથી યુવતીને હેરાન કરવા પહોંચ્યો ત્યારે યુવતી અને તેના પરિવારજનોએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો.

જાહેર રસ્તા અને તળાવ પાસે જ પરિવારજનોએ રોમિયોને આડેહાથ લઈ તેની ધોલાઈ શરૂ કરી હતી. આ દરમિયાન હિંમત બતાવીને યુવતીએ પણ પોતે પહેરેલા ચપ્પલ વડે યુવકને ફટકાર્યો હતો અને પોતાના કર્યાની માફી માંગવા તેમજ પગે પડવાની ફરજ પાડી હતી. જાહેરમાં થયેલી આ કાર્યવાહી જોઈને આસપાસના રહીશો અને રાહદારીઓ પણ એકઠા થઈ ગયા હતા.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, શહેરના વિવિધ વિસ્તારોમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાનો મુદ્દો સંવેદનશીલ છે. ઘણી વખત યુવતીઓ સામાજિક ડર કે સંકોચને કારણે આગળ આવતી નથી, પરંતુ આ કિસ્સામાં યુવતી અને તેના પરિવારે મક્કમતા દાખવીને રોમિયોને જાહેરમાં જ ભાન કરાવ્યું હતું. આ ઘટનાએ અન્ય અસામાજિક તત્વો અને રોમિયોગીરી કરતા યુવકો માટે પણ એક ચેતવણીરૂપ દાખલો બેસાડ્યો છે.