Vadodara News: છેલ્લા બે દિવસથી વડોદરા જિલ્લામાં મેઘાવી માહોલ છે. ધોધમાર વરસાદના પગલે વાઘોડિયા અને ડભોઈ સહિતના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તરોમાં પાણી ભરાયા છે, મકાનોમાં પાણી ઘુસી જવાથી ઘરવખરીને નુકસાન થયું છે અને ઓરસંગ તથા ઢાંઢર નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા 5 થી 11 સપ્ટેમ્બર સુધી ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં નોંધાયેલો વરસાદ
આજે બપોરે 12 વાગ્યા સુધી અને ગત 24 કલાકમાં વડોદરામાં વરસેલા વરસાદના આંકડા પર નજર ફેરવીએ તો આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સિનોરમાં 1.3 ઇંચ,પાદરામાં 18 મિ.મી., વડોદરામાં 17 મિ.મી., કરજણમાં 14 મિ.મી., ડભોઇમાં 13 મિ.મી., વાઘોડિયામાં 12 મિ.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ડભોઇમાં 4.1 ઇંચ, કરજણમાં 3.4 ઇંચ, વાઘોડિયામાં 2.8 ઇંચ, સિનોરમાં 2.3 ઇંચ, વડોદરામાં 1.6 ઇંચ, સાવલીમાં 1.3 ઇંચ, પાદરામાં 1.2 ઇંચ, ડસરમાં 16 મિ.મી. વરસાદ વરસ્યો છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
વાઘોડિયા તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગુગલીયાપુરા, જલારામ નગર સહિતના વિસ્તારોમાં મકાનોમાં વરસાદી પાણી ઘુસતાં ઘર સામાનને ભારે નુકસાન થયું છે. ધીરજ ચોકડી, જય અંબે ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. ઉપરવાસના વરસાદને કારણે પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હાલાકી સર્જાઈ છે.
આ પણ વાંચો
ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ
વડોદરા જિલ્લાના ડભોઇ વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે. ડભોઇ નજીકથી પસાર થતી ઓરસંગ નદીનું પાણી નર્મદા નદીમાં ભળતા ચાંદોદ ખાતે મલ્હાર રાવ ઘાટના 108 પૈકી 92 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચનવાડા, કરનેટ, જૂની માંગરોલ, સીતપુર, ઓરડી, રાજપુરા અને ગુમાનપુરા સહિતના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઓરસંગ નદીના વધેલા પાણીના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવા જિલ્લા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

ઢાઢર નદી પણ ગાંડીતુર બની
ડભોઇ પંથકમાં ભારે વરસાદના પગલે નર્મદા અને ઓરસંગ નદી બાદ હવે ઢાઢર નદી પણ ગાંડીતુર બની છે. ઢાઢર નદીના પાણી સીમડીયા ગામ પાસેના મુખ્ય રસ્તા અને વાઘોડિયા જવાના માર્ગ પર ફરી વળ્યા છે, જેના કારણે દંગીવાડા, પ્રયાગપુરા, બંબોજ સહિતના અનેક ગામોમાં પાણી ઘુસી ગયા છે અને ખેતીના પાકોને વ્યાપક નુકસાન થયું છે.
હવામાન વિભાગની આગાહી
5 સપ્ટેમ્બરના રોજ વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. 6 સપ્ટેમ્બરના રોજ વડોદરા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. 7 સપ્ટેમ્બરના રોજ વડોદરા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. 8 સપ્ટેમ્બરના રોજ વડોદરા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. 9 અને 10-11 સપ્ટેમ્બરના રોજ વડોદરા જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.