પ્રશાંત ગજ્જર, Vadodara Union Bank Fraud: વડોદરા શહેરમાં બેંક સાથે છેતરપિંડી આચર્યાનો વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે. વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની બાજવા બ્રાન્ચ સાથે રૂ. 1,45,12,056ની ઠગાઈ કરવા અંગે છ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષ 2020થી 2025 દરમિયાન અલગ-અલગ બિઝનેસ માટે લોન મેળવીને કાવતરું રચવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ અંગે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, 6 આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને પોતાના આર્થિક લાભ માટે ધંધાના યુનિટો બંધ રાખ્યા હતા. લોન મેળવતી વખતે સ્થળ પર સ્ટોક કે મશીનરી નહીં રાખીને હાઈપોથીકેશન એગ્રીમેન્ટનો ભંગ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બેંકમાં ફેબ્રિકેશનના સ્ટેટમેન્ટ, બનાવટી બિલો, ખોટા પ્રોફોર્મા ઇન્વોઇસ અને અન્ય બનાવટી દસ્તાવેજો રજૂ કરી સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોનની રકમ મેળવ્યા બાદ નાણાં અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી અંગત ઉપયોગમાં લેવાયા હોવાનો અને બેંકને આર્થિક નુકસાન પહોંચાડ્યાનો આક્ષેપ છે.
આ પણ વાંચો
આ કેસમાં પ્રીતી ટ્રેડર્સના પ્રોપરાઈટર પ્રીતી સમીર ખત્રીએ કેશ ક્રેડિટ લોન મેળવી વ્યાજ સહિત રૂ. 11,79,097ની રકમ બાકી રાખી છે. ગુરુકૃપા ટ્રેડર્સના પ્રોપરાઈટર પીનાકીન શાંતીલાલ પટેલે કેશ ક્રેડિટ લોન મેળવી વ્યાજ સહિત રૂ. 29,30,810 બાકી રાખ્યા છે. પટેલ એન્ડ કંપનીના પ્રોપરાઈટર ભારતી શાંતીલાલ પટેલે ટર્મ લોન મેળવી આંશિક ચુકવણી બાદ રૂ. 34,98,431 ની રકમ બાકી રાખી છે.
મારૂતી ટ્રેડર્સના પ્રોપરાઈટર નીકીતા પીનાકીન પટેલે કેશ ક્રેડિટ અને ટર્મ લોન મેળવી વ્યાજ સહિત કુલ રૂ. 24,02,437 નું નુકસાન પહોંચાડ્યું છે. સીયારામ ટ્રેડર્સના પ્રોપરાઈટર નેહા મિત ગજ્જરે ટર્મ લોન મેળવી આંશિક ચુકવણી બાદ રૂ. 5,05,759 બાકી રાખ્યા છે. ધ અમી વીડિયોના પ્રોપરાઈટર મીનાબેન રજનીકાંત ખત્રીએ ટર્મ લોન મેળવી ખોટા બેંક સ્ટેટમેન્ટ અને ઇન્વોઇસ રજૂ કરી રૂ. 39,95,522 ની રકમ બાકી રાખી છે.
આ તમામ ટ્રેડર્સ અને પ્રોપરાઈટરો દ્વારા બેંક સાથે આચરવામાં આવેલી ગેરરીતિ અને બનાવટી દસ્તાવેજોના આધારે વિશ્વાસઘાત કરવા બદલ જવાહરનગર પોલીસે ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.
