પ્રશાંત ગજ્જર, Bharuch News: ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી નિજધામ સોસાયટીમાંથી ગતરોજ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા 14 વર્ષીય કિશોર કાનવ ધીરેનભાઈ શાહની શોધખોળનો આજે કરુણ અંત આવ્યો છે.
26 ઓગસ્ટના રોજ ગોલ્ડન બ્રિજની સામેના કાંઠા તરફથી નગરપાલિકાની ટીમને કાનવનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જ્યારે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, કાનવ ગત દિવસથી અચાનક ગુમ થઈ ગયો હતો, જેને લઈને પરિવારજનો દ્વારા ભારે ચિંતા સાથે તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઝાડેશ્વર ચોકડી નજીક નેશનલ હાઈવે-48 પર આવેલા જૂના સરદાર બ્રિજ પરથી કાનવની સાયકલ મળી આવી હતી. આ પુરાવા મળતા જ કિશોર નર્મદા નદીમાં પડ્યો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમોએ તાત્કાલિક ધોરણે નર્મદા નદી તેમજ તેની આસપાસના વિસ્તારોમાં બોટ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સાથે નર્મદા મૈયા બ્રિજ અને નજીકના માર્ગો પર લાગેલા સીસીટીવી ફૂટેજની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી જેથી કિશોરની હિલચાલ જાણી શકાય. સતત ચાલી રહેલી આ શોધખોળ દરમિયાન આજે સવારે કાનવનો મૃતદેહ ગોલ્ડન બ્રિજની સામે કાંઠેથી મળી આવ્યો હતો.
પુત્રનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં જ તેના માતા-પિતા અને સ્વજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. નદી કિનારે પોતાના વહાલસોયા પુત્રનો મૃતદેહ જોઈને પરિવારજનોના આક્રંદથી ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી અને સમગ્ર વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.
આ કરુણ બનાવની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસ સ્ટેશનનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
કાનવના મોતનું સાચું અને ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. હાલ પોલીસે અકસ્માત કે અન્ય કારણોની દિશામાં કાયદેસરની વધુ તપાસ શરૂ કરી છે.
