Rajkot: જેતપુરમાં ધો.10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, મોપેડને ધક્કો મારતા-મારતા અચાનક ઢળી પડ્યો; ઘટના CCTVમાં કેદ

રાજકોટના જેતપુરમાં ધોરણ 10ના 15 વર્ષીય વિદ્યાર્થી પૂર્વ મહાલિયાનું હાર્ટ એટેકથી નિધન થયું. ટ્યુશનથી ઘરે ફરતી વખતે મોપેડમાં પેટ્રોલ ખૂટતા તેને ધક્કો મારતી વખતે આ દુર્ઘટના બની, જે CCTVમાં કેદ થઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 26 Aug 2026 07:24 PM (IST)Updated: Wed, 26 Aug 2026 07:24 PM (IST)
jetpur-shocking-news-10th-student-dies-of-heart-attack-while-pushing-moped
HIGHLIGHTS
  • પૂર્વ મહાલિયાનું હૃદય માત્ર 30 ટકા કામ કરતું હોવાનો પરિવારનો દાવો

Jetpur Heart Attack News: રાજ્યમાં યુવાનો અને બાળકોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી વધુ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે.

અહીં ધોરણ-10માં અભ્યાસ કરતા માત્ર 15 વર્ષીય વિદ્યાર્થીનું હૃદયરોગના હુમલાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે. ટ્યુશનથી ઘરે પરત ફરતી વખતે મોપેડમાં પેટ્રોલ ખૂટી જતા તેને ધક્કો મારતી વેળાએ આ દુર્ઘટના સર્જાઈ હતી. વિદ્યાર્થી રસ્તા પર ઢળી પડ્યો હોવાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ છે.

મોપેડને ધક્કો મારતી વખતે હ્રદય બેસી ગયું

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પૂર્વ દિવ્યેશભાઈ મહાલિયા નામનો 15 વર્ષીય તરુણ જેતપુરમાં ધોરણ-10માં અભ્યાસ કરતો હતો. રોજિંદા ક્રમ મુજબ તે ટ્યુશન પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં અચાનક તેના મોપેડમાં પેટ્રોલ ખૂટી ગયું હતું. જેથી પૂર્વ પોતાનું મોપેડ દોરાવીને (ધક્કો મારીને) પગપાળા જઈ રહ્યો હતો. મોપેડને ધક્કો મારતા સમયે અચાનક તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તે રસ્તા પર જ બેભાન થઈને ઢળી પડ્યો હતો.

પૂર્વ અચાનક નીચે ઢળી પડતા તેની સાથે રહેલા સાથી વિદ્યાર્થીઓ અને આસપાસના રાહદારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેના પ્રાણ પંખેરું ઊડી ગયા હતા અને ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.

 

 

પર્વનું હ્રદય માત્ર 30 ટકા જ કામ કરતું હતુ

આ ઘટના અંગે પરિવારજનોએ દાવો કર્યો છે કે, પૂર્વને અગાઉથી જ હૃદયની તકલીફ હતી અને તેનું હૃદય માત્ર 30 ટકા જ કામ કરતું હતું. પ્રાથમિક તપાસમાં, ત્રણ ભાઈઓના સંયુક્ત પરિવારમાં પૂર્વ એકમાત્ર દીકરો (સંતાન) હતો. વહાલસોયા અને એકના એક પુત્રના અકાળે અવસાનથી મહાલિયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારજનોના હૈયાફાટ રુદન અને કરુણ આક્રંદથી સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.