Vadodara: તરસાલીમાં બાલ્કનીની રેલિંગ પાસે પહોંચેલા બાળકને બચાવવા જતાં માતા ત્રીજા માળેથી નીચે પટકાઈ, સ્થળ પર જ મોતને ભેટી

વડોદરાના તરસાલી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં બાળકને બાલ્કનીમાંથી પડતું બચાવવા જતાં માતા ત્રીજા માળેથી નીચે પટકાઈ. આ દુર્ઘટનામાં માતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 12 Nov 2026 09:32 PM (IST)Updated: Thu, 12 Nov 2026 09:32 PM (IST)
vadodara-tragedy-mother-dies-after-falling-from-third-floor-while-rescuing-toddler-near-balcony-railing

Vadodara: શહેરના તરસાલી વિસ્તારમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં ફ્લેટની બાલ્કનીમાં રમતાં-રમતાં જોખમી સ્થિતિમાં પહોંચેલા પોતાના નાના બાળકને બચાવવા માટે દોડેલી માતાનો પગ લપસી જતાં તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.


રમતા-રમતા બાળક બાલ્કનીની રેલિંગ પાસે પહોંચી ગયું

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા નિશી ફ્લેટમાં દક્ષાબેન (34) પોતાના પરિવાર સાથે રહેતા હતા. આજે તેમનું બાળક રમતા-રમતા અચાનક ફ્લેટની બાલ્કનીની રેલિંગ પાસે પહોંચી ગયું હતુ. જેથી બાળકને નીચે પડતો બચાવવા માટે દક્ષાબેને બાલ્કની તરફ દોટ મૂકી હતી. બાળકને રેલિંગ પાસેથી ખેંચવા જતાં દક્ષાબેને સંતુલન ગુમાવી દેતા તેઓ ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે પટકાયા હતા.

આટલી ઊંચાઈ પરથી નીચે પડવાના કારણે દક્ષાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ 108 ઈમરજન્સીની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. જ્યાં ઈમરજન્સી ટીમે દક્ષાબેનને મૃત જાહેર કર્યા હતા. હાલ તો પોલીસે દક્ષાબેનના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.