વડોદરામાં દિવાળી પર્વમાં માતમનો માહોલ: 8 દિવસમાં SSG હોસ્પિટલમાં 200 થી વધુ કેસ, 35 લોકોના મોત

વડોદરામાં દિવાળીના તહેવારો દરમિયાન માર્ગ અકસ્માત અને મારામારીના 194 કેસ નોંધાયા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 12 Nov 2026 04:26 PM (IST)Updated: Thu, 12 Nov 2026 04:26 PM (IST)
vadodara-ssg-hospital-reports-200-accident-and-violence-case-in-diwali-festival-eight-days

Vadodara News: રોશની અને ઉમંગનો પર્વ ગણાતી દિવાળી આ વર્ષે વડોદરા શહેર અને મધ્ય ગુજરાત માટે દુઃખભરી સાબિત થઈ છે. તહેવારો દરમિયાન આનંદ-પ્રમોદનો માહોલ શોક અને ચિંતામાં ફેરવાઈ ગયો હતો. SSG હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલ આંકડા અનુસાર, છેલ્લા 8 દિવસમાં અકસ્માત અને હિંસાના 300થી વધુ કેસ નોંધાયા છે.

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલ દ્વારા દિવાળી પર્વના આઠ દિવસમાં નોંધાયેલ મેડિકો-લીગલ અને ઈમરજન્સી કેસોના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જે અત્યંત ચોંકાવનારા અને ગંભીર ચિંતા ઉભી કરનાર છે. આ આંકડા દર્શાવે છે કે ઉત્સવના માહોલમાં સાવચેતીના અભાવે કઈ હદે ખુશીઓ માતમમાં પલટાઈ શકે છે.

માર્ગ અકસ્માતના કેસોમાં નોંધાયો ઉછાળો

SSG હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. એન.એસ. પટેલના જણાવ્યા અનુસાર, દિવાળીની ખરીદી, ઉત્સવની દોડધામ અને હરવા-ફરવાના ઉત્સાહ વચ્ચે ટ્રાફિકના નિયમોની વ્યાપક ઉપેક્ષા જોવા મળી હતી. વાહન ચાલકો દ્વારા બેફામ અને અતિ ઝડપે વાહનહંકારવાના કારણે શહેરના માર્ગ તેમજ આસપાસના હાઈવે પર અકસ્માતોમાં મોટો ઉછાળો નોંધાયો હતો.

આ સમયગાળા દરમિયાન માર્ગ અકસ્માતના કુલ 135 કેસ હોસ્પિટલમાં નોંધાયા, જેમાં અનેક યુવાનો અને નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માર્ગ અકસ્માતો ઉપરાંત સામાજિક અને પારિવારિક સ્તરે અશાંતિનું ચિત્ર પણ સામે આવ્યું છે. સામાન્ય બાબતોમાં ઉશ્કેરાટ, અહમનો ટકરાવ તેમજ જૂની અદાવતઅને તુચ્છ કારણોસર થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ તહેવારના દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મારામારી અને જૂથ અથડામણના બનાવો પણ મોટી સંખ્યામાં બન્યા હતા. આ હિંસાત્મક બનાવોમાં કુલ 59 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાથી તેમને તાત્કાલિક ધોરણે સયાજી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ખસેડવા પડ્યા હતા.

35 પરિવારના દીવા બરબાદ: શોકનો માહોલ

આઠ દિવસના ટૂંકાગાળામાં જુદા-જુદા અકસ્માત, ગંભીર શારીરિક ઈજા અને અન્ય દુર્ઘટનાને કારણે કુલ 35 નિર્દોષ લોકોએ પ્રાણ ગુમાવ્યા છે. એક તરફ જ્યાં સમગ્ર શહેરમાં દિવાળીના દિપોત્સવની ઉજવણી થઈ રહી હતી, બીજી તરફ આ 35 પરિવારોના ઘરોમાં કાયમી અંધકાર છવાઈ ગયો અને શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ ઉપરાંત, દિવાળીના પર્વ પર ફટાકડા ફોડતી રહેલી બેદરકારીના કારણે દાઝી જવાના કુલ 5 કેસ પણ નોંધાયા, જેમાં સદનસીબે તમામ દર્દીઓને સમયસર સારવાર મળી ગઈ હતી. એક તરફ જ્યાં દુર્ઘટનાનો સિલસિલો હતો, તો બીજી તરફ તહેવારોમાં પણ SSG હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને ઈમરજન્સી મેડિકલ ટીમ ખડેપગે સેવા આપી રહી હતી.

તબીબી ટીમે અથાક પરિશ્રમ કરીને તમામ દર્દીઓને તાત્કાલિક યોગ્ય અને સમયસર સારવાર પૂરી પાડીને અનેકના અમૂલ્ય જીવ બચાવી લીધા હતા. આ ઘટનાઓ નાગરિકો માટે એક ગંભીર લાલબત્તી સમાન છે કે તહેવારોની ઉજવણીમાં સાવચેતી, સંયમ અને નિયમોનું પાલન કેટલું અનિવાર્ય છે.