વડોદરામાં દિવાળીની રાત્રે આગના બનાવોની વણઝારઃ 62 સ્થળે લાગી આગમાં લાખોનું નુકસાન, સદનસીબે જાનહાનિ ટળી

વાસણા-ભાયલી રોડ પર શ્રી હરિ બંગ્લોઝ સામે આવેલી અર્થ એક્રોપોલિશ-3 રેસિડેન્સીના E-501 નંબરના ફ્લેટમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 09 Nov 2026 03:11 PM (IST)Updated: Mon, 09 Nov 2026 03:11 PM (IST)
vadodara-reports-62-fire-emergencies-on-diwali-night

Vadodara News: દિવાળીના ઉત્સવ દરમિયાન વડોદરા શહેરમાં રોશની અને આનંદ વચ્ચે અચાનક આગની ઘટનાઓએ ભારે દોડધામ મચાવી મૂકી હતી. રાત્રે 10 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધીના ટૂંકા સમયગાળામાં જ અગ્નિશામક દળને આગ લાગવાના કુલ 62 ઇમરજન્સી મેસેજ મળ્યા હતા. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બનેલી આ ઘટનાઓમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ લાખો રૂપિયાની માલમિલકત બળીને ખાખ થઈ ગઈ હતી.

વાસણા-ભાયલી રોડ પર શ્રી હરિ બંગ્લોઝ સામે આવેલી અર્થ એક્રોપોલિશ-3 રેસિડેન્સીના E-501 નંબરના ફ્લેટમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. નિપુલ મકવાણાના આ મકાનમાં આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લેતાં ઘરવખરીનો કિંમતી સામાન સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. આગની તીવ્રતાના કારણે ફ્લેટના લોકરમાં રાખેલા ૨ લાખ રૂપિયા બળી ગયા હતા.

બનાવની જાણ થતાં જ વાસણા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર ધસી ગઈ હતી અને ભારે મથામણ બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર જવાનોએ પોતાની સમયસૂચકતા દાખવીને લોકરમાંથી 50 હજાર રૂપિયાની રોકડ રકમ સુરક્ષિત બહાર કાઢી મકાનમાલિકને પરત કરી હતી. લાઈફ સેવિંગ ટીમના આ સરાહનીય પ્રયાસથી આગ અન્ય ફ્લેટો સુધી ફેલાતી અટકી હતી.

આ સિવાય શહેરના અન્ય વિસ્તારોમાં પણ ફટાકડા અને આગને કારણે ભારે અફરાતફરી સર્જાઈ હતી. ઓ.પી. રોડ પર આવેલા રિલાયન્સ મોલ નજીક શ્રમજીવીઓના ઝૂંપડાંમાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો, જેને ફાયર ટીમ દ્વારા ત્વરિત બુઝાવી દેવામાં આવી હતી.

બીજી તરફ, તરસાલી તળાવ પાસેથી પસાર થઈ રહેલી એક કાર પર ફટાકડાનું રોકેટ પડતાં કારમાં અચાનક આગ લાગી હતી. આ બનાવથી કારચાલક અને રાહદારીઓમાં થોડી ક્ષણો માટે ભય ફેલાઈ ગયો હતો. આમ, દિવાળીની એક જ રાતમાં આગના ૬૨ કોલ અને ત્રણ મોટી ઘટનાઓએ વડોદરા ફાયર બ્રિગેડને આખી રાત દોડતું રાખ્યું હતું.