Special Summary Revision 2027: 18 વર્ષ પૂર્ણ કરતા યુવાનો માટે મતદાર બનવાની તક: 27 નવેમ્બરથી શરૂ થશે મતદારયાદી સુધારણા કાર્યક્રમ

સુરતમાં 1 જાન્યુઆરી, 2027ની લાયકાત ધરાવતા મતદારો માટે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. આ કાર્યક્રમનો હેતુ નવા મતદારોનો સમાવેશ અને મતદારયાદીને અદ્યતન બનાવવાનો છે, જેની અંતિમ યાદી 18 જાન્યુઆરી, 2027ના રોજ પ્રસિદ્ધ થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 12 Nov 2026 09:16 PM (IST)Updated: Thu, 12 Nov 2026 09:16 PM (IST)
special-summary-revision-of-electoral-roll-2027-announced-press-conference-held-by-surat-collector-tejas-parmar

Surat: સુરત સરકીટ હાઉસ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને 1 જાન્યુઆરી, 2027ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટરે મતદારયાદી સુધારણા કાર્યક્રમની સમયમર્યાદા, મતદાન મથકોના રેશનલાઇઝેશન તથા નવા લાયક મતદારોની નોંધણી અંગે વિસ્તૃત વિગતો આપી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા 28 ઓક્ટોબર, 2026ના પત્રથી 1 જાન્યુઆરી, 2027ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આગામી 1 જાન્યુઆરીના રોજ 18 વર્ષની વય પૂર્ણ કરતા તમામ લાયક નાગરિકોનો મતદારયાદીમાં સમાવેશ કરવાનો તેમજ મતદારયાદીને વધુ અદ્યતન અને ચોકસાઈપૂર્ણ બનાવવાનો છે.

અગાઉ સતત મતદારયાદી સુધારણા અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસોમાં વિવિધ પ્રકારનાં ફોર્મ સ્વીકારી તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હવે ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર નવી ફોટાવાળી મતદારયાદીની પ્રસિદ્ધિ માટે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત નિર્ધારિત સમયમર્યાદામાં મતદારયાદી સંબંધિત તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાં મતદાન મથકોનું રેશનલાઇઝેશન અને પુનર્ગઠનની કામગીરી આગામી 17 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ કામગીરીના અંતે જિલ્લામાં કુલ 4,383 મતદાન મથકો છે. મતદાન મથકોના રેશનલાઇઝેશનની કામગીરી પૂર્ણ થયા બાદ આગળની ચૂંટણીલક્ષી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

મતદારયાદી સુધારણા કાર્યક્રમના ભાગરૂપે સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ આગામી 27 નવેમ્બર, 2026ના રોજ કરવામાં આવશે. જે બાદ મતદારયાદીમાં નામ ઉમેરવા, નામ કમી કરવા તેમજ મતદારની વિગતોમાં જરૂરી સુધારા કરાવવા માટે આગામી 26 ડિસેમ્બર, 2026 સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે. આ સમયગાળા દરમિયાન પ્રાપ્ત થનારી હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ 11 જાન્યુઆરી, 2027 સુધીમાં કરવામાં આવશે. જે બાદ તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી 18 જાન્યૂઆરી, 2027ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મતદારયાદી સુધારણા પ્રક્રિયામાં નાગરિકોની સહભાગિતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને તા.01/01/2027ના રોજ 18 વર્ષની વય પૂર્ણ કરતા યુવા નાગરિકોએ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે આગળ આવવું જોઈએ. આ ઉપરાંત જે નાગરિકોના નામ મતદારયાદીમાં નોંધાયેલા નથી અથવા જેમની વિગતોમાં સુધારા કરવાની જરૂરિયાત છે તેઓએ પણ નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરવી જોઈએ.

તમામ મતદારોએ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ પોતાના નામ અને વિગતોની ચકાસણી કરી લેવા અને જરૂરી જણાય તો નિયત સમયમર્યાદામાં હક્ક-દાવા તથા વાંધા અરજીઓ રજૂ કરવા જણાવ્યું હતું. નાગરિકો આ પ્રક્રિયામાં ઓનલાઈન માધ્યમથી પણ ભાગ લઈ શકશે. મતદારયાદી સંબંધિત કોઈપણ માહિતી કે માર્ગદર્શન માટે સંબંધિત વિસ્તારના બૂથ લેવલ ઓફિસર (BLO)નો સંપર્ક કરવા ઉપરાંત જિલ્લા હેલ્પલાઇન નંબર 1950 પર કોલ કરીને માહિતી મેળવી શકશે.