Surat: કતારગામ શિશુગૃહના બે ભૂલકાં હવે અમેરિકામાં ઉછરશે, NRI ગુજરાતી દંપત્તિએ બાળકોને દત્તક લેતા કલેક્ટરે શુભેચ્છા પાઠવી

સુરતના કતારગામ સ્થિત શિશુગૃહના બે બાળકોને અમેરિકા સ્થિત મૂળ ગુજરાતી દંપતીએ દત્તક લીધા છે. જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રી-એડોપ્શન લેટર સોંપાયા, બાળકોના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 12 Nov 2026 08:59 PM (IST)Updated: Thu, 12 Nov 2026 08:59 PM (IST)
surat-news-nri-gujarati-couple-in-us-adopts-two-orphaned-children-from-katargam-shishugruh

Surat: સુરતના કતારગામ સ્થિત શિશુગૃહમાં માતા-પિતાથી વંચિત એવા બે બાળકોને આજે મૂળ ગુજરાતી પરંતુ અમેરિકા સ્થાયી થયેલા દંપતી દ્વારા કાયદેસર રીતે દત્તક લેવામાં આવ્યા છે. આ બન્ને બાળકોને સુરત જિલ્લા કલેક્ટરના હસ્તે તેમના દત્તક માતા-પિતાને સોંપવામાં આવ્યા હતા.

અમેરિકામાં વસતા મૂળ ગુજરાતી પરિવારને બાળક સોંપાયા

આ અંગે સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે, આજે નવા વર્ષ બાદ કામકાજનો પ્રથમ દિવસ હતો, ત્યારે કતારગામમાં આવેલા શિશુગૃહમાં આશરો લઈ રહેલા સાડા 3 થી ચાર વર્ષ અને પાંચ વર્ષના બે બાળકોને લાંબી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને પ્રી-એડોપ્શન લેટર આપવામાં આવ્યા છે.

આ બન્ને બાળકોને જે નવા માતા-પિતા મળ્યા છે, તેઓ મૂળ ગુજરાતી જ છે અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે. આજે આ બન્ને બાળકો સાથે પ્રી-એડોપ્શન લેટર પણ તેમના નવા માતા-પિતાને સોંપી દેવામાં આવ્યા છે. જેના આધારે તેઓ તેમની આગળની કાયદેસરની કાર્યવાહી કરી શકશે.

સુરતમાં રઝળતી હાલતમાં મળી આવેલા બાળકોને માતાએ સરેન્ડર કર્યાં

આજથી દોઢ વર્ષ પૂર્વે બન્ને બાળકો સુરત જિલ્લાની એક જગ્યાએથી રસ્તા પર રઝળતી હાલતમાં મળી આવ્યા હતા. માતા-પિતા બાળકોનો યોગ્ય ઉછેર કરી શકે તેમ ના હોવાથી તેમણે સરેન્ડર કર્યાં હતા. જે બાદ કતારગામ શિશુગૃહમાં આ બન્ને બાળકોનો અમારી દેખરેખ હેઠળ ઉછેર કરવામાં આવી રહ્યો હતો. હવે આ બન્ને બાળકોને અમેરિકામાં સ્થાયી થયેલા માતા-પિતા મળ્યા છે, તેનો અમને આનંદ છે અને હું બન્ને બાળકોના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવું છું.

દિવાળી પહેલા બે અનાથ બાળકીઓને દત્તક અપાઈ હતી

અગાઉ દિવાળી પહેલા બે અનાથ દીકરીઓને મહારાષ્ટ્રના બે દંપત્તિઓને દત્તક સોંપવામાં આવી હતી. જે પૈકી એક 8 માસની દીકરી મહારાષ્ટ્રમાં રહેતા ફાનીપ્રસાદ મંડલાપાર્થી (કન્સલ્ટન્ટ) અને પત્ની પાયલ પોદ્દાર (એકાઉન્ટન્ટ)ને તેમજ અન્ય 7 માસની બાળકીને પૂણે-મહારાષ્ટ્રના ગિરીશ રઘુનાથ ભામરે(કેન્દ્ર સરકારના કર્મચારી) અને પત્ની હેમાંગી વામન રાવ જવલે(IT કંપનીમાં નોકરી)ને પ્રી-અડોપ્શન ફોસ્ટર કેર માટે સોંપવામાં આવી હતી.