Mount Abu Accident: રાજકોટના પર્યટકોને લઈ જતો ટેમ્પો ટ્રાવેલર ડિવાઈડર સાથે ભટકાઈ ખાડામાં ખાબક્યો, 6 સહેલાણીઓ ઈજાગ્રસ્ત

દિવાળીના મીની વેકેશનમાં માઉન્ટ આબુથી રાજકોટ પરત ફરી રહેલા પ્રવાસીઓના ટેમ્પો ટ્રાવેલરને અકસ્માત નડ્યો. ડ્રાઈવરે કાબુ ગુમાવતા વાહન ડિવાઈડર સાથે અથડાઈ ખાડામાં પલટી ગયું, જેમાં 6 સહેલાણીઓ ઈજાગ્રસ્ત થયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 12 Nov 2026 08:13 PM (IST)Updated: Thu, 12 Nov 2026 08:13 PM (IST)
mount-abu-accident-tempo-traveller-carrying-rajkot-tourists-overturns-into-ditch-6-injured

Mount Abu Accident: દિવાળીના મીની વેકેશનમાં ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. એવામાં રાજકોટથી માઉન્ટ આબુ ફરવા આવેલા સહેલાણીઓને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં માઉન્ટ આબુ ફરીને રાજકોટ જઈ રહેલો તેમનો ટેમ્પો ટ્રાવેલર બેકાબુ બનીને ધડાકાભેર ડિવાઈડર સાથે ભટકાયું હતુ. આ અકસ્માતમાં 6 સહેલાણીઓ ઈજાગ્રસ્ત થયા છે.

ડિવાઈડર સાથે અથડાઈને ટેમ્પો ખાડામાં પલટી જતાં મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગુજરાતના રાજકોટથી પ્રવાસીઓનું એક ગ્રુપ દિવાળીની રજાઓ માણવા માટે માઉન્ટ આબુ આવ્યું હતુ. માઉન્ટ આબુમાં ફર્યા બાદ તમામ સહેલાણીઓ ટેમ્પો ટ્રાવેલરમાં બેસીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આબુ રોડ પર આવેલા શનિ મંદિર નજીક અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેથી બેકાબુ બનેલ ટેમ્પો ડિવાઈડર સાથે અથડાઈને ખાડામાં પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતને પગલે સ્થળ પર ટેમ્પોમાં ફસાઈ ગયેલા પ્રવાસીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી.

6 ઈજાગ્રસ્તો આબુ રોડ ટ્રોમા સેન્ટરમાં સારવાર હેઠળ

સહેલાણીઓની ચીસો સાંભળીને સ્થાનિક ટેક્સી યુનિયનના સભ્યો ઉપરાંત આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જેમણે અકસ્માતગ્રસ્ત ટેમ્પો ટ્રાવેલરમાં ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં 6 જેટલા પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થતાં તમામને સારવાર માટે આબુ રોડના ટ્રોમા સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે.

આ અંગે આબુરોડ પોલીસ મથકના સીનિયર ઈન્સ્પેક્ટર ગોકુલરામે જણાવ્યું કે, બેકાબુ ટેમ્પો ટ્રાવેલર ડિવાઈડર સાથે ભટકાયા બાદ સર્જાયેલા અકસ્માતમાં 6 પ્રવાસીઓને ઈજા પહોંચી છે. જેની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. હાલ તમામ ઈજાગ્રસ્તોની આબુરોડ ટ્રોમા સેન્ટરમાં સારવાર ચાલી રહી છે.