Ahmedabad Accident: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં દારૂના નશામાં છાકટા બનેલા નબીરાઓ દ્વારા અકસ્માત સર્જવાના બનાવો અવારનવાર સામે આવે આવતા રહે છે, ત્યારે આવો જ વધુ એક કિસ્સો નાના ચિલોડા રોડ પરથી સામે આવ્યો છે. જેમાં ગઈકાલે બપોરના સમયે નશામાં ધૂત નબીરાએ એક ટૂ-વ્હીલર પર સવાર દંપતીને ટક્કર મારી હતી. જો કે સ્થાનિકોએ નબીરાને મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો.
સ્થાનિકોને કારમાંથી દારૂની બોટલ મળતા બન્ને નબીરાઓને ધોઈ નાંખ્યા
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગઈકાલે 11 નવેમ્બરના રોજ ભાઈબીજના દિવસે બપોરના સમયે એક દંપતી એક્ટિવા પર નાના ચિલોડા રોડ પરથી પસાર થઈ રહ્યું હતુ. આ સમયે પાછળથી પુરપાટ આવતી વર્ના કારના ચાલકે તેમના એક્ટિવાને ટક્કર મારી હતી. કારની ટક્કરથી એક્ટિવા પર જઈ રહેલ દંપતી નીચે પટકાયું હતુ.
આ અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેમણે કાર ખોલીને જોતાં આગળના ભાગે બે સીટો વચ્ચે દારૂની બોટલો મળી આવી હતી. તેમજ કાર ચલાવી રહેલા યુવક સાથે તેનો મિત્ર ચિક્કાર પીધેલી હાલતમાં હતા. આથી રોષે ભરાયેલા લોકોએ બન્ને યુવકોને કારમાં જ ધોલધપાટ શરૂ કરી દીધી હતી.
બીજી તરફ અકસ્માતની જાણ થતાં નરોડા પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. જેથી સ્થાનિકોએ મેથીપાક ચખાડી બન્ને યુવકોને પોલીસને સોંપી દીધા હતા. પોલીસની પૂછપરછમાં બન્ને યુવકોની ઓળખ ચિરાગ ગાંગાણી અને ગૌતમ ગોહિલ તરીકે થઈ છે, જે બન્ને રાજકોટમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે બન્ને યુવકો વિરુદ્ધ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
