Surat: સુરતમાંથી બસમાં નાના બાળકો સાથે મુસાફરી કરતા વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રથી સુરત આવી રહેલી બસમાં એક નાનું બાળક રમતા રમતા ડ્રાઈવર પાસે પહોચી ગયું હતું અને ત્યાં આડી પડેલી સીટ પરથી ચાલુ બસે રોડ પર પટકાયું હતું. આ દરમ્યાન ડ્રાઈવરનું ધ્યાન જતા તાત્કાલિક બસ રોકીને બૂમાબૂમ કરી મૂકી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.
સૌરાષ્ટ્રથી આવતી બસમાં બાળક રમતો-રમતો ડ્રાઈવર કેબિનમાં આવી ચડ્યો
આ પણ વાંચો
ગત 7 નવેમ્બરના રોજ એક ખાનગી લક્ઝરી બસ સૌરાષ્ટ્રથી સુરત આવી રહી હતી. આ બસ કીમ નજીક રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે બસમાં મુસાફરી કરી રહેલા પરિવારનો એક 3 વર્ષનો બાળક રમતા-રમતા ડ્રાઈવરની કેબિન સુધી પહોંચી ગયો હતો. જ્યાં બાળકે આડી પાડેલી સીટ પર ચડીને બેસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બસ ચાલુ હોવાથી બાળકે સંતુલન ગુમાવ્યું અને તે ફંગોળાઈને સીધો બસના દરવાજાની બહાર નીકળીને રોડ પર પટકાયો હતો.
જો કે આ સમયે ડ્રાઈવરની નજર પડતાં તેણે તાત્કાલિક બસ ઉભી રાખીને બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી ફોન પર વાતચીતમાં વ્યસ્ત બાળકની માતા દોડતી આવી હતી અને રોડ પર પટકાયેલા બાળકને ઊંચકીને બસની અંદર લાવી હતી. સદ્દનસીબે આ ઘટનામાં બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. આ સમગ્ર ઘટના બસમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી.
બસની ગતિ ધીમી હોવાથી અને ડ્રાઈવરે સમયસર બ્રેક મારી દેતા બાળકને કોઈ ગંભીર ઈજા નહતી પહોંચી, માત્ર શરીર સામાન્ય છોલાયું હતુ. આજ સમયે બસની પાછળ પોતાની કારમાં આવી રહેલા એક તબીબે પણ માનવતા દાખવીને પોતાની કાર થોભાવી હતી અને બાળકને તપાસીને સંપૂર્ણ સુરક્ષિત હોવાની ખાતરી આપી હતી. બાળક બસમાંથી નીચે પટકાયું ત્યાં સુધી તેના વાલીઓનું ધ્યાન બાળક પર રહ્યું ન હતું જેથી બસ ડ્રાઈવરે પણ બાળકની માતાને બાળકોનું ધ્યાન રાખવા બાબતે ટકોર કરી હતી.
