Surat Crime News: સુરતના પીપોદરા સ્થિત મોગલધામ મંદિરે દર્શન કરવા ગયેલા વેપારીના ખિસ્સામાંથી રૂ. 50 હજારની રોકડ ચોરાઈ હતી. અજાણ્યા શખ્સે ધ્યાન ભટકાવી વેપારીના ખિસ્સામાંથી ₹50 હજારની રોકડ ચોરી કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પાલોદ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા કરિયાણા વેપારી દિનેશભાઈ પટોલિયા ગતરોજ પીપોદરા સ્થિત મોગલધામ મંદિરે દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન એક શખ્સે જાણીજોઈને પોતાની એક્ટિવા તેમની સાથે અથડાવી ધ્યાન ભટકાવ્યું હતું.
બીજી તરફ, પાછળથી આવેલા અન્ય એક શખ્સે તકનો લાભ ઉઠાવી તેમના ખિસ્સામાંથી રોકડનું બંડલ કાઢી લીધું હતું. થોડીવાર બાદ દિનેશભાઈને ખિસ્સામાંથી રોકડા ગાયબ હોવાનું ધ્યાનમાં આવતાં તેમણે પાલોદ પોલીસને જાણ કરી હતી.
બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારમાં CCTV ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિએ મોપેડ અથડાવી ધ્યાન ભટકાવ્યું હતું. આ દરમિયાન પાછળથી આવેલા એક વ્યક્તિએ તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા કાઢી લીધા હતા. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
