પ્રશાંત ગજ્જર, Vadodara Sugar Price: વડોદરા શહેરમાં તહેવારોની મોસમ શરૂ થતાં જ મોંઘવારીએ માથું ઊંચક્યું છે, જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. શાકભાજી અને ખાદ્યતેલ બાદ હવે રસોડાનો મુખ્ય પાયો ગણાતી ખાંડના ભાવમાં પણ ધરખમ ઉછાળો નોંધાયો છે.
શહેરમાં થોડા સમય અગાઉ જૂન મહિનામાં સામાન્ય ગુણવત્તાની ખાંડ 45 રૂપિયા પ્રતિ કિલો મળતી હતી, જે વધીને હવે સીધી 65 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે. આ ઉપરાંત છૂટક બજારમાં ખાંડના ભાવ 38 રૂપિયાથી વધીને 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.
આ પણ વાંચો
વડોદરા શહેરમાં દરરોજ અંદાજે 200 ટન ખાંડની ખપત રહે છે. સામાન્ય રીતે તહેવારોની મોસમમાં ગળપણની માંગ અનેકગણી વધી જતી હોય છે, પરંતુ આ વર્ષે અસહ્ય ભાવવધારાને કારણે બજારમાં મીઠાઈઓ અને અન્ય ખાદ્યપદાર્થોની ખરીદી મંદ પડી ગઈ છે.
ગૃહિણીઓનું કહેવું છે કે, એક તરફ તેલ, ચોખા અને શાકભાજીના ભાવ પહેલેથી જ આસમાને છે, તેમાં હવે ખાંડ મોંઘી થવાથી આખું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. તહેવારોની ઉજવણી કરવી પણ હવે મુશ્કેલ બની રહી છે.
વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતની સુગર મિલોમાં આ વર્ષે ખાંડનું ઉત્પાદન અપેક્ષા કરતા ઓછું થયું છે. ઉત્પાદન ઘટવાના કારણે બજારમાં ખાંડની આવક ઓછી થઈ છે અને માંગ સામે પુરવઠો ન મળવાથી ભાવમાં આ મોટો ઉછાળો આવ્યો છે.
આ ગંભીર પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે કેન્દ્ર સરકારે સુગર મિલોને બ્રાઝિલ જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાંથી કાચી ખાંડ આયાત કરવાની મંજૂરી આપી છે. આગામી દિવસોમાં આ આયાતી જથ્થો બજારમાં પહોંચ્યા બાદ સપ્લાય સુધરવાની અને ભાવ નિયંત્રણમાં આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખાંડ સહિતની આવશ્યક ચીજવસ્તુઓના સતત વધતા જતાં ભાવ સામે નારાજગી વ્યક્ત કરતા શહેરીજનો અને ગૃહિણીઓ દ્વારા સરકાર પાસે વહેલી તકે કડક પગલાં ભરીને ભાવ નિયંત્રણમાં લાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.
