iPhone EMI Pressure: તાજેતરમાં જ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના વાળુંજમાં આઈફોનને લઈને એક યુવકની પાછળ તેના માતા-પિતાએ પણ ખીણમાં કૂદીને આપઘાત કર્યો હોવાની હ્રદયદ્રાવક ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી મૂકી છે.
એવામાં દિલ્હીમાંથી આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક શિક્ષકે આઈફોનના હપ્તાની વ્યવસ્થા ના થતા યમુના નદીમાં મોતની છલાંગ લગાવી હતી. સદ્દનસીબે પોલીસ સહિત ડિઝાસ્ટર ટીમની સમયસૂચકતાથી તેમને બચાવી લેવામાં આવ્યા છે.
કાલિંદી કુંજના ભોલા ઘાટ પરથી યમુના નદીમાં પડતું મૂક્યું
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, દિલ્હીના દક્ષિણ જિલ્લાના કાલિંદી કુંજ વિસ્તારમાં આવેલ ભોલા ઘાટ (કાલિંદી પુલ) પરથી એક યુવકે પડતુ મૂકતા, ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ સમયે પેટ્રોલિંગ કરી રહેલ પોલીસની ટીમે જાણ કરતાં ડિઝાસ્ટરની ટીમ બોટ સાથે સ્થળ પર આવી પહોંચી હતી. જે બાદ તેમણે પાણીમાં ડૂબી રહેલા યુવકને હેમખેમ કિનારે લઈને આવી હતી.
પોલીસની પૂછપરછમાં યુવકની ઓળખ ઓખલા ફેઝ-2 સ્થિત સંજય કોલોનીમાં રહેતા ડાન્સ ટીચર તરીકે થઈ છે. આ યુવકે થોડા સમય પહેલા શોખ પુરો કરવા ખાતર મોંઘો આઈફોન લીધો હતો. જો કે છેલ્લા કેટલાક દિવસોથી આવક ઘટવાના કારણે તે મોબાઈલના હપ્તા ભરી શકતો નહતો, જેના પરિણામે તે માનસિક તણાવમાં રહેતો હતો. હાલ તો પોલીસ દ્વારા યુવકનું કાઉન્સેલિંગ કરીને તેને પત્ની અને સાળા સાથે ઘરે મોકલી દેવામાં આવ્યો છે.
આ ઘટના એવા સમયે સામે આવી છે, જ્યારે મહારાષ્ટ્રમાં આઈફોનના હપ્તાના વિવાદને પગલે પિતા-પુત્ર ખીણમાં ખાબકીને મોતને ભેટ્યા હતા. જે બાદ સ્થળ પર હાજર યુવકની માતાએ પણ પડતું મૂકીને પોતાનો જીવ આપી દીધો હતો.
આ ચકચારી કેસમાં પોલીસ તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પ્રાથમિક તપાસમાં 18 વર્ષીય કુણાલ પોતાના માતા-પિતા દ્વારા આઈફોનના હપ્તા ના ચૂકવવાના કારણે નારાજ હોવાનું સામે આવ્યું હતુ. જો કે ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન ઘટનાના એક દિવસ પહેલા જ મૃતક કુણાલની માતા સંગીતાએ યુટ્યૂબ ચેનલ પર સબંધોના મૂલ્યોને લઈને એક વીડિયો પોસ્ટ કર્યો હતો. હવે પોલીસે આ દિશામાં પણ તપાસનો દૌર લંબાવ્યો છે.
