Vadodara: શહેરના રેસકોર્સ રોડ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલે આજે અત્યંત જોખમી ન્યુરોસર્જિકલ ઓપરેશનમાં ખોપરીના પાયામાં રહેલી 6 સેમી x 5 સેમીના માપની મગજની ગાંઠને સફળતાપૂર્વક દૂર કરવાની જાહેરાત કરી છે. આ સિદ્ધિ આધુનિક ન્યુરોસર્જરીમાં સૌથી મુશ્કેલ ગણી શકાય તેવા કેસોને હેન્ડલ કરવાની હોસ્પિટલની ઉચ્ચ ક્ષમતાઓ દર્શાવે છે.
સ્ટર્લિંગ હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગના એસોસિયેટ ડિરેક્ટર ડૉ. મૌલિક વાજાની આગેવાની હેઠળ આ સર્જરી હાથ ધરવામાં આવી હતી. આ સફળતા હોસ્પિટલની મગજ અને કરોડરજ્જુની જટિલ સર્જરીમાં શ્રેષ્ઠતા માટે હોસ્પિટલની વધી રહેલી પ્રતિષ્ઠામાં એક મહત્વનું સીમાચિહ્ન છે.
આ પણ વાંચો
34 વર્ષીય પુરુષ દર્દી છેલ્લા છ થી આઠ મહિનાથી સતત માથાના દુઃખાવાથી પીડાતો હતો. છ મહિના પહેલાં કરેલા MRIમાં જમણી બાજુએ ખોપરીના તળિયેથી ઊભી થયેલી અને મગજની અંદર ધકેલાતી મોટી ગાંઠ (બ્રેઇન ટ્યુમર) જોવા મળી હતી.
ગાંઠ અત્યંત જટિલ જગ્યાએ હતી અને તેના માટે જરૂરી મગજની સર્જરી અત્યંત જોખમી હોવાથી અનેક ન્યુરો નિષ્ણાંતોએ આ ઓપરેશનને “ખૂબ જ જોખમી” ગણાવ્યું હતું. દર્દીને ઓપરેશન કરાવવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ શરૂઆતમાં તે ડરને કારણે આગળ વધવા તૈયાર નહોતો.
ત્યાર પછીના મહિનાઓમાં દર્દીની સ્થિતિ ઝડપથી બગડતી ગઈ અને માથાનો દુઃખાવો અસહ્ય બન્યો. નવા MRIમાં ગાંઠનું કદ લગભગ 6 સે.મી. × 5 સે.મી. જેટલું થઈ ગયું હતું અને તે મગજના મહત્વના માળખાને વધુ દબાવી રહી હતી. લાંબી ચર્ચા અને સલાહમસલત બાદ દર્દીએ સર્જરી માટે ડૉ. મૌલિક વાજા તથા સ્ટર્લિંગ હોસ્પિટલની ન્યુરોસાયન્સ ટીમ પર પૂરો વિશ્વાસ મૂક્યો.
7 જૂન, 2025ના રોજ ડૉ. મૌલિક વાજાએ 8 કલાકની જટિલ માઇક્રોસર્જરી કરીને ગાંઠને સંપૂર્ણપણે દૂર કરી દીધી અને તે પણ આસપાસની મહત્વની ચેતા તથા રક્તવાહિનીઓને કોઈ નુકસાન થયા વિના. ઓપરેશન પછી દર્દીએ માત્ર 3-4 દિવસ આઈસીયુમાં વિતાવ્યા અને 8 દિવસમાં જ ઘરે પરત ફર્યો. ખોપરીના તળિયાની આવી જટિલ સર્જરી માટે આ અત્યંત ઝડપી સ્વસ્થતા ગણી શકાય.
સર્જરીના એક મહિના બાદ જ દર્દી પોતાની નોકરીની જવાબદારીઓ નિભાવવા લાગ્યો. ત્રણ મહિના પછી કરવામાં આવેલા MRIમાં ગાંઠનો કોઈ અવશેષ બાકી જણાયો નહોતો અને હવે દર્દી સંપૂર્ણ સામાન્ય તથા સ્વસ્થ જીવન જીવી રહ્યો છે.
ખોપરીના તળિયાની ગાંઠો સર્જિકલી સારવાર કરવા માટે સૌથી મુશ્કેલ ગણાય છે કારણ કે તે ઊંડે રહેલી હોય છે અને મુખ્ય ધમનીઓ, બ્રેઇનસ્ટેમ તથા જોવાની, સાંભળવાની, ચહેરાની હિલચાલ તથા ગળવાનું કંટ્રોલ કરતી ચેતાઓની બિલકુલ નજીક હોય છે. આ વિસ્તારમાં રહેલી માત્ર 2-3 સે.મી.ની ગાંઠ પણ રક્તવાહિનીઓ, બ્રેઇનસ્ટેમ કે મહત્વની ચેતાઓને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી લકવો, પથારીવશ થઈ જવાની સ્થિતિ કે મૃત્યુ પણ થઈ શકે છે.
સ્ટર્લિંગ હોસ્પિટલ્સ – રેસકોર્સ રોડ, વડોદરાના એવીપી અને ફેસિલિટી ડિરેક્ટર હરપ્રીત સિંહે જણાવ્યું હતું કે, સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં અમે ઘણા વર્ષોથી સતત આવી અત્યંત જટિલ ન્યુરોસર્જરી સફળતાપૂર્વક કરી રહ્યા છીએ. આ સફળતા અમારી કુશળ ટીમ, અદ્યતન ટેકનોલોજી અને દર્દીઓના અતૂટ વિશ્વાસનું પ્રમાણ છે.
વધુ વિગતો પૂરી પાડતા ડૉ. મૌલિક વાજાએ જણાવ્યું, ખોપરીના તળિયાની સર્જરીમાં અત્યંત ચોકસાઈ, અનુભવ તથા વિવિધ વિભાગોના સંકલનની જરૂર પડે છે. અમને આનંદ છે કે દર્દી સંપૂર્ણ સ્વસ્થ થયો અને તેણે પોતાના જીવનની ગુણવત્તા પાછી મેળવી લીધી.
સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એડવાન્સ્ડ માઇક્રોસર્જિકલ ટેકનિક, ઇન્ટ્રાઓપરેટિવ ન્યુરોમોનિટરિંગ તથા સમર્પિત ન્યુરો-ક્રિટિકલ કેર યુનિટની મદદથી વિશ્વકક્ષાની ન્યુરોલોજિકલ સારવાર પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ રહે છે.
