Vadodara: વડોદરાની પ્રખ્યાત અને મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજીરાવ જનરલ હોસ્પિટલ ફરી એકવાર પોતાની વ્યવસ્થાઓને લઈને વિવાદોમાં આવી છે. હોસ્પિટલની બદહાલી દર્શાવતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ વીડિયોમાં રાત્રીના સમયે હોસ્પિટલમાં આવતા દર્દીઓને સ્ટ્રેચર અને હોસ્પિટલના સર્વન્ટ વગર ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનું જોવા મળી રહ્યું છે.
રાતના સમયે SSG હોસ્પિટલમાં સારવાર માટે પહોંચતા દર્દીઓની યોગ્ય ભાળ લેનાર કે પૂછપરછ કરનાર કોઈ હાજર હોતું નથી. પૂરતા સ્ટાફ અને સાધનોના અભાવે દર્દીઓને ભારે મુશ્કેલીઓ વેઠવા મજબૂર બનવું પડે છે. પરિસ્થિતિ એટલી હદે દયનીય છે કે, જરૂરી સાધનો અને સ્ટ્રેચર સમયસર ન મળવાને કારણે દર્દીઓને લંગડાતા-લંગડાતા જાતે જ ચાલીને વોર્ડ કે સારવાર વિભાગ સુધી જવાની ફરજ પડે છે.
બેદરકારી દાખવનારા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી થશે
SSG હોસ્પિટલનો વીડિયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું છે. હોસ્પિટલમાં RMO ડૉ. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, હોસ્પિટલ પાસે દર્દીઓની સુવિધા માટે પૂરતા પ્રમાણમાં સાધનો અને સ્ટ્રેચર ઉપલબ્ધ જ છે. આમ છતાં જો દર્દીઓને હાલાકી વેઠવી પડતી હોય, તો તે અત્યંદ દુઃખદ બાબત છે.
આટલું જ નહીં, રાતના સમયે ફરજમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતા RMOએ ઉમેર્યું કે, આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને સબંધિત કર્મચારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે.
