વડોદરાના નંદેસરી દારૂકાંડમાં મોટી કાર્યવાહી, PCBના હેડ કોન્સ્ટેબલ દીપુસિંગ સસ્પેન્ડ, દ્વારકા બદલીનો હુકમ

વડોદરાના નંદેસરીમાં ઝડપાયેલા ₹1.40 કરોડના વિદેશી દારૂ કેસમાં રાજ્ય પોલીસ વડાની લાલ આંખ. PCBના ચર્ચાસ્પદ વહીવટદાર હેડ કોન્સ્ટેબલ દીપુસિંગને સસ્પેન્ડ કરી દ્વારકા મોકલાયો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 18 Nov 2026 12:10 AM (IST)Updated: Wed, 18 Nov 2026 12:10 AM (IST)
vadodara-liquor-scam-head-constable-dipusingh-suspended

Vadodara News: વડોદરામાં ચર્ચાસ્પદ બનેલા રૂ. 1.40 કરોડના વિદેશી દારૂકાંડ મામલે પોલીસ વિભાગમાંથી અત્યંત મોટા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નંદેસરીના રઢીયાપુરા ગામેથી ઝડપાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના આ કૌભાંડમાં પોલીસ બેડામાં લાંબા સમયથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા અને પીસીબી (PCB)ના વહીવટદાર તરીકે ઓળખાતા હેડ કોન્સ્ટેબલ દીપુસિંગ સામે આખરે રાજ્ય પોલીસ વડા દ્વારા સસ્પેન્શનની સખત કાર્યવાહી કરવામાં આવી છે. દીપુસિંગને સસ્પેન્ડ કર્યા બાદ તેને દ્વારકા હેડક્વાર્ટર ખાતે હાજર રહેવાનો હુકમ કરવામાં આવ્યો છે, જેના કારણે વડોદરા સહિત સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

નંદેસરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી રેડ અને પોલીસની ભૂમિકા પર સવાલો

પ્રાપ્ત વિગતો અનુસાર, થોડા સમય અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરાના નંદેસરી વિસ્તારના રઢીયાપુરા ગામે સફળ રેડ પાડીને આશરે રૂ. 1.40 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આટલી મોટી માત્રામાં દારૂ પકડાયા બાદ સ્થાનિક વડોદરા પોલીસની ભૂમિકા અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. આ પ્રકરણમાં અગાઉ તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. વાઘેલાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પીએસઆઈ કે પીઆઈ કક્ષાના અધિકારી બાદ હવે સીધા વહીવટદાર ગણાતા હેડ કોન્સ્ટેબલ દીપુસિંગ પર ગાજ પડતા સાબિત થાય છે કે ઉપલા સ્તરેથી કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તટસ્થ અને કડક તપાસ ચાલી રહી છે.

વિવાદોમાં ઘેરાયેલા દીપુસિંગ પર ડીજીપીની લાલ આંખ: પોલીસ બેડામાં ફફડાટ

વડોદરા પોલીસ વિભાગમાં દીપુસિંગનું નામ અવારનવાર વિવાદો અને વહીવટી વર્ચસ્વને કારણે ચર્ચામાં રહેતું હતું. પીસીબીના વહીવટદાર તરીકે તેમની પકડ અને પ્રભાવ અંગે અનેક પ્રકારની ચર્ચાઓ થતી હતી. હવે ડીજીપી કક્ષાએથી સીધી કાર્યવાહી થતાં પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ખાખી વર્દીની આબરૂ ખરડનારા તત્વોમાં ભારે ડરનો માહોલ સર્જાયો છે. નંદેસરીના આ કરોડોના દારૂકાંડમાં પોલીસ અને બુટલેગરોની મિલીભગતની આશંકા સતત વ્યક્ત થઈ રહી હતી, અને આ સસ્પેન્શન આ આશંકાઓને વધુ બળ પૂરું પાડે છે.

ચર્ચાઓનું બજાર ગરમ

આ ગાજ માત્ર દીપુસિંગ સુધી જ સીમિત રહેશે કે પછી આગામી દિવસોમાં અન્ય મોટા માથા પણ તપાસના દાયરામાં આવશે તે અંગે હાલ શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી છે. નંદેસરી દારૂકાંડની ઊંડાણપૂર્વકની તપાસ હજુ ચાલુ છે અને આગામી સમયમાં આ પ્રકરણમાં પોલીસ વિભાગના અન્ય કયા ઉચ્ચ અધિકારીઓ કે વહીવટદારો પર ગાજ પડશે? તે સવાલ હાલ સૌના મોઢે ચર્ચાઈ રહ્યો છે. DGPની આ કડક કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો આપે છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને બુટલેગરોને આશરો આપનાર કોઈપણ તત્વને હવે છોડવામાં નહીં આવે.