Vadodara Accident: વડોદરા શહેરમાં આવેલ ગોલ્ડન ચોકડી વિસ્તારમાં આજે બોલેરો પિકઅપ અને હાઈડ્રોજન ગેસના સિલિન્ડરો ભરેલા આઈસર ટ્રક સામ-સામે ધડાકાભેર ભટકાતા ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે.
ટક્કર બાદ બોલેરો પિકઅપના આગળના ભાગના ફૂરચે-ફૂરચા
હાઇડ્રોજન ગેસના સિલિન્ડરો ભરેલો આઇસર ટ્રક અને બોલેરો પિકઅપ વાન ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, બોલેરો પિકઅપ વાહનોનો આગળના ભાગના ફૂરચા ઉડી ગયા હતા. જ્યારે બોલેરોમાં સવાર એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું હતુ.
બે વાહનોની જોરદાર ટક્કરના પગલે આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જેમણે ભારે જહેમતે બોલેરોમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. અકસ્માતગ્રસ્ત આઈસર ટ્રકમાં હાઈડ્રોજન ગેસ સિલિન્ડર ભરેલા હોવાથી ગેસ લીકેજ થવાની દહેશતને પગલે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
જેથી ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુન્સ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યો હતો. જે બાદ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યા કેટલાક ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.
આ અકસ્માતના પગલે ગોલ્ડન ચોકડી વિસ્તારમાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. જો કે પોલીસ દ્વારા ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત બન્ને વાહનોને રોડની બાજુમાં ખસેડીને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
