Surat Spa Raid: શહેરના વેસુ વિસ્તારમાં આજે સ્પામાં દરોડા પાડવા ગયેલી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમને ભાળીને ગભરાઈ ગયેલા સ્પા સંચાલકે ચોથા માળેથી કૂદકો માર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ સ્પા સંચાલકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પામાં દરોડો પાડ્યો હતો
હકીકતમાં અઠવા પોલીસ મથકની ટીમને આવેલા વેસુ સ્થિત સફલ સ્ક્વેરમાં સ્પાની આડમાં દેહ વ્યાપારનો ગોરખધંધો ચાલી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ દ્વારા ડમી ગ્રાહક તૈયાર કરીને સ્પામાં મોકલવામાં આવ્યો હતો. ડમી ગ્રાહકે દેહ વ્યાપારની પુષ્ટિ કરતાં પોલીસની AHTUની ટીમે દરોડો પાડ્યો હતો.
આ દરમિયાન પોલીસની ટીમને જોઈને ધરપકડથી બચવા માટે ગભરાઈ ગયેલા સ્પાના સંચાલકે બિલ્ડિંગના ચોથા માળેથી છલાંગ લગાવી દીધી હતી. જેથી તેને ગંભીર ઈજા પહોંચતા નજીકની મૈત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે.
ગ્રાહક પાસેથી 9 હજાર વસૂલીને લલનાને 2500 આપવામાં આવતા હતા
પ્રાથમિક તપાસમાં મૃતક સ્પા સંચાલકની ઓળખ મૂળ હરિયાણાના વતની રાજેશ રઘુવરસિંહ (42) તરીકે થઈ છે, જે હાલમાં મગદલ્લા ગામમાં રહેતો હતો. જ્યારે દરોડા દરમિયાન હાથમાં આવેલી રુપલલના કોલકાતાની હતી. સ્પા ચાલક શરીર સુખ માણવા આવતા ગ્રાહક પાસેથી 9 હજાર રૂપિયા લઈને દેહ વ્યાપાર સાથે સંકળાયેલી લલનાને 2500 રૂપિયા આપીને સ્પામાં દેહ સુખની વ્યવસ્થા કરી આપતો હોવાનું સામે આવ્યું છે.
