પુષ્કર મેળા 2026નો ભવ્ય પ્રારંભ; સુરતનો 21 કરોડનો ઘોડો 'ગોલ્ડન કિંગ', 15 ઈંચની ગાય અને 800 કિલોનો પાડો બન્યા આકર્ષણનું કેન્દ્ર

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 17 Nov 2026 10:49 PM (IST)Updated: Tue, 17 Nov 2026 10:49 PM (IST)
pushkarmela2026surat21croregoldenkinghorse15inchcow

Pushkar Mela 2026: રાજસ્થાનના અજમેર જિલ્લામાં વિશ્વ પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય પુષ્કર મેળા 2026નો મંગળવારથી ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. પરંપરાગત પૂજા-અર્ચના, ધ્વજારોહણ અને નગારાના નાદ સાથે આ ઐતિહાસિક મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પર્યટન વિભાગ દ્વારા આયોજિત મુખ્ય સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો 17 થી 24 નવેમ્બર 2026 દરમિયાન યોજાશે, જેને માણવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો, શ્રદ્ધાળુઓ અને પશુપાલકો પુષ્કરની ધરતી પર ઉમટી પડ્યા છે.

દીપદાનથી ઝળહળી ઉઠ્યા 52 ઘાટ, વિદેશી પર્યટકોએ રમી ફૂટબોલ

મેળાના પ્રથમ દિવસે જ અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. મેળા મેદાનમાં ભારતીય અને વિદેશી પર્યટકો વચ્ચે 'ચક દે ઈન્ડિયા'ની થીમ પર એક રોમાંચક ફૂટબોલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહેલાણીઓએ મન મૂકીને આનંદ માણ્યો હતો. સાંજ પડતાની સાથે જ પુષ્કર સરોવરના 52 ઘાટ પર સામૂહિક દીપદાન યોજાયું હતું, જેનાથી સમગ્ર સરોવર પરિસર દિવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. કારતક પૂર્ણિમા સુધી ચાલનારા આ મેળામાં 20 નવેમ્બર એટલે કે એકાદશીના દિવસથી પંચતીર્થ મહાસ્નાન સાથે ધાર્મિક મેળાની વિધિવત શરૂઆત થશે. આ પ્રસંગે દેશના ખૂણેખૂણેથી આવેલા સાધુ-સંતો અને મહંતો શાહી સ્નાનની પરંપરા નિભાવશે.

સુરતનો 21 કરોડનો ઘોડો 'ગોલ્ડન કિંગ' છવાયો

પુષ્કરના આંતરરાષ્ટ્રીય પશુ મેળામાં દર વર્ષની જેમ આ વખતે પણ એકથી એક ચડિયાતા અબોલ જીવોની રોનક જોવા મળી રહી છે, પરંતુ સૌથી વધુ ચર્ચા સુરતથી આવેલા 'ગોલ્ડન કિંગ' નામના ઘોડાની થઈ રહી છે. મારવાડી નસ્લના આ અત્યંત ખૂબસૂરત અને ઠાઠદાર ઘોડાની કિંમત અધધ 21 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 'ગોલ્ડન કિંગ'ની એક ઝલક મેળવવા અને તેની સાથે સેલ્ફી લેવા માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. ઘોડાની ઊંચી કિંમત અને ભીડને જોતા તેની સુરક્ષા માટે ખાસ બાઉન્સરો તૈનાત કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ ઘોડાની બ્રીડિંગ ફી જ આશરે દોઢ લાખ રૂપિયા જેટલી છે.

1 કરોડની ઘોડી, 15 ઈંચની ગાય અને બાહુબલી પાડો 'છોટા સુલતાન'

મેળામાં માત્ર 'ગોલ્ડન કિંગ' જ નહીં, પરંતુ અન્ય અનોખા પશુઓ પણ લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યા છે-

1 કરોડની ઘોડી: 'નગીના' નામની એક શાનદાર ઘોડી પણ પશુપાલકો અને પર્યટકોનું ખાસ ધ્યાન ખેંચી રહી છે, જેની કિંમત 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

દુનિયાની સૌથી નાની ગાય: મેળામાં માત્ર 15 ઈંચ ઊંચાઈ ધરાવતી દુનિયાની સૌથી નાની ગાય પણ લાવવામાં આવી છે. આ ટચૂકડી ગાયને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા છે અને તે મેળામાં સેલ્ફી પોઈન્ટ બની ગઈ છે.

800 કિલોનો 'છોટા સુલતાન': આ ઉપરાંત 800 કિલો વજન ધરાવતો કદાવર અને બાહુબલી પાડો 'છોટા સુલતાન' પણ પશુ મેળાની શોભા વધારી રહ્યો છે.

આગામી દિવસોમાં પુષ્કર મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્ય અને વિવિધ સ્પર્ધાઓની રંગત વધુ જામશે, જેને લઈને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.