વડોદરામાં નકલી એક્સ આર્મીમેન બની સિક્યુરિટીમાં નોકરી મેળવનારા બે ઈસમો ઝડપાયા, SOG તપાસનો ધમધમાટ

વડોદરામાં ભારતીય સેનાના નકલી દસ્તાવેજો બનાવી સિક્યુરિટી એજન્સીઓમાં નોકરી મેળવનારા ઉત્તર પ્રદેશના બે શખ્સોને SOGએ ઝડપી પાડ્યા છે. આ કૌભાંડમાં રાષ્ટ્રીય સુરક્ષાના ભંગ બદલ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ ચાલુ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 18 Oct 2026 06:41 PM (IST)Updated: Sun, 18 Oct 2026 06:41 PM (IST)
vadodara-sog-exposes-fake-ex-servicemen-job-racket-2-arrested

Vadodara: વડોદરામાં ભારતીય સેનાના નામે બોગસ દસ્તાવેજો તૈયાર કરી નોકરી મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં ક્યારેય ભારતીય સેનામાં ફરજ ના બજાવી હોવા છતાં એક્સ-સર્વિસમેન હોવાનું જણાવીને નોકરી મેળવનાર ઉત્તર પ્રદેશના બે શખ્સોને SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને ગોરવા પોલીસ સ્ટેશનમાં સિક્યુરિટી એજન્સીના સંચાલકો સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં રહેતા ધીરેન્દ્રસિંહ અને ભુપેન્દ્રસિંહ ગૌતમે કોઈ પણ પ્રકારની લશ્કરી સેવા આવ્યા વિના જ આર્મીના નામે વિવિધ બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યા હતા. જેમાં આર્મીની સેવામુક્તિ બુક્સ (ડિસ્ચાર્જ બુક), સર્વિસ સર્ટિફિકેટ, પેન્શન કાર્ડ, ડિપેન્ડન્ટ સર્ટિફિકેટ તેમજ એક્સ-સર્વિસમેન આઇડેન્ટિટી કાર્ડ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજોનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આરોપીઓએ આ તમામ બોગસ દસ્તાવેજોના આધારે વડોદરા તથા અન્ય સ્થળોએ વિવિધ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓમાં નોકરી મેળવી લીધી હતી અને એક્સ-સર્વિસમેન માટેના અનામત કે વિશેષ લાભો મેળવતા હોવાનું ખૂલ્યું છે. સિક્યુરિટી એજન્સીના સંચાલકો સાથે આ પ્રકારે દસ્તાવેજોની છેતરપિંડી કરી નોકરી મેળવ્યાનું બહાર આવતા ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

આ પ્રકરણમાં એસ.ઓ.જી. અને સ્થાનિક પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ બનાવટી દસ્તાવેજો ક્યાં અને કોની મદદથી બનાવવામાં આવ્યા હતા, આ કૌભાંડ પાછળ કોઈ મોટું રેકેટ સક્રિય છે કે નહીં, તેમજ અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા અને લશ્કરી દસ્તાવેજો સાથે સંકળાયેલા આ ગંભીર મામલામાં આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.