Vadodara: અટલાદરામાં પોલીસ સામે જ બિલ્ડિંગ પરથી પડતુ મૂકી યુવક મોતને ભેટ્યો, રોષે ભરાયેલા પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી ન્યાય માંગ્યો

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સાક્ષીઓના નિવેદનો બાદ જો કોઈની સંડોવણી જણાશે, તો જવાબદારો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે: પોલીસ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 29 Apr 2026 08:42 PM (IST)Updated: Wed, 29 Apr 2026 08:42 PM (IST)
vadodara-shocker-youth-dies-after-falling-from-building-in-atladara-family-alleges-murder
HIGHLIGHTS
  • મારા ભાઈ સાથે મારપીટ કરવામાં આવતી હતી, આ હત્યા હોઈ શકે છે

Vadodara: વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા માધવનગર વુડાના આવાસોમાં ગત મધરાતે એક યુવકનું બિલ્ડિંગ પરથી નીચે પડતા શંકાસ્પદ મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના પરિવારે ગંભીર આક્ષેપો કરતા મામલો ગરમાયો છે, જેના પગલે અટલાદરા પોલીસે ગુનો નોંધી ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત મધરાતે માધવનગર વુડાના આવાસોમાં કોઈ બાબતે મોટો ઝઘડો ચાલી રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. અટલાદરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને ભીડને હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

પોલીસની હાજરીમાં જ યુવક નીચે પડ્યો

પોલીસ જ્યારે નીચે ટોળાને વિખેરી રહી હતી, તે દરમિયાન અચાનક બિલ્ડિંગ પરથી કંઈક નીચે પડવાનો જોરદાર અવાજ સંભળાયો હતો. પોલીસ અને સ્થાનિક લોકોએ તપાસ કરતા એક યુવક લોહીલુહાણ હાલતમાં નીચે પડેલો મળી આવ્યો હતો.

ઇજાગ્રસ્તની ઓળખ દિલીપ વસાવા તરીકે થઈ હતી. તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું દુઃખદ મોત નિપજ્યું હતું.

દિલીપ વસાવાના મૃત્યુ બાદ તેના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે ભારે રોષ વ્યક્ત કર્યો છે. મૃતકની બહેન કાજલ વસાવાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેના ભાઈ સાથે મારપીટ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ઘટના બની છે. આ માત્ર અકસ્માત નથી પણ હત્યા હોઈ શકે છે. આ આક્ષેપોને કારણે હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

આ ઘટનાની ગંભીરતાને જોતા ACP એ.વી. કાટકડે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે માધ્યમોને જણાવ્યું હતું કે, અટલાદરા પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સાક્ષીઓના નિવેદનો બાદ જો કોઈની સંડોવણી જણાશે, તો જવાબદારો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની અને ઝઘડા પાછળનું મુખ્ય કારણ શોધવાની તજવીજ હાથ ધરી છે. યુવકના મોતથી વસાવા પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.