Surat: અમરોલીમાં બાળકીની છેડતી કરનાર દુકાનદારનું પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું, મહિલાઓ જાહેરમાં મેથીપાક ચખાડ્યો

અમરોલીમાં 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય આલુપુરીના દુકાનદાર દિનેશ રામાણીની ધરપકડ. પોલીસે ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરાવતા રોષે ભરાયેલી મહિલાઓએ આરોપીને જાહેરમાં ફટકાર્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 29 Apr 2026 08:28 PM (IST)Updated: Wed, 29 Apr 2026 08:28 PM (IST)
alupuri-stall-owner-arrested-for-arassing-minor-public-thrashes-accused-during-reconstruction
HIGHLIGHTS
  • 'તારા વાળ મોઢા પર આવે છે' કહી નાસ્તો લેવા આવેલી બાળકીને અડપલા કર્યાં

Surat: સુરતના અમરોલી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. અમરોલી-સાયણ રોડ પર આવેલી એક આલુપુરીની દુકાને નાસ્તો લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય વૃદ્ધ દુકાનદારને પોલીસે દબોચી લીધો છે.

પોલીસે ઘટના સ્થળે લઈ જઈ આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરાવતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને હાજર મહિલાઓએ આરોપીને ચપ્પલ તથા લાત વડે મેથીપાક ચખાડ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભરૂચ જિલ્લાની એક મહિલા હાલ વેકેશન ગાળવા માટે અમરોલી સ્થિત તેના ભાઈના ઘરે આવી છે. ગત બપોરે તેણે પોતાની 11 વર્ષની પુત્રી અને ભત્રીજીને અમરોલી-સાયણ રોડ પર આવેલા 'સિટી હાર્ટસ કોમ્પ્લેક્સ'માં 'શ્રીજી લાઈવ આલુપૂરી' નામની દુકાને નાસ્તો લેવા મોકલી હતી.

આ સમયે દુકાનદાર દિનેશ જીવરાજભાઈ રામાણી (56) એ બાળકીને વાતોમાં ફોસલાવી ટેબલ પર બેસાડી હતી. 'તારા વાળ કેમ મોઢા પર આવે છે' તેમ કહી વાળ સરખા કરવાના બહાને બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

દુકાનદારની ગંદી હરકતથી ડરી ગયેલી બાળકી નાસ્તો લીધા વગર જ રડતી રડતી ઘરે પહોંચી હતી અને માતાને આપવીતી જણાવી હતી. જાગૃત માતાએ તુરંત દુકાને પહોંચી હોબાળો કર્યો હતો. જોકે આરોપી અને તેની પત્નીએ માફી માંગી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ માતાએ મક્કમ રહી અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ દિનેશ રામાણીની ધરપકડ કરી પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તપાસના ભાગરૂપે પોલીસે જ્યારે આરોપીને દુકાને લાવી રીકન્સ્ટ્રક્શનની કાર્યવાહી શરૂ કરી, ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસની હાજરીમાં જ આરોપીને મેથીપાક ચખાડી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.