સુરત: ડિંડોલીમાં ભાડાના રૂમમાં મળ્યો આધેડનો મૃતદેહ, પ્રેમપ્રકરણમાં હત્યા થયાની આશંકા; પોલીસ તપાસ તેજ

ડિંડોલી પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 25 Oct 2026 10:33 PM (IST)Updated: Sun, 25 Oct 2026 10:33 PM (IST)
surat-dindoli-rajesh-mishra-murder-case-love-triangle-police-investigation

Surat Murder Case: સુરતના ડિંડોલી વિસ્તારમાં બંધ રૂમમાંથી કલરકામ કરતા 50 વર્ષીય આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકના શરીર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યાના નિશાન મળી આવ્યા છે. પ્રેમ પ્રકરણમાં આધેડની હત્યા કરવામાં આવી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સાંઈ પોઈન્ટ નજીક આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં મૂળ મધ્યપ્રદેશના સતના જિલ્લાના રહેવાસી અને કલરકામ કરતા 50 વર્ષીય રાજેશ રામસ્વરૂપ મિશ્રા આશરે છ મહિનાથી ભાડે રહેતા હતા. રાજેશે મકાનમાલિક સમક્ષ રાજાબાઈ ઉર્ફે રાણી નામની મહિલાને પોતાની પત્ની તરીકે ઓળખાવી હતી. તેની સાથે રામપ્રસાદ અને ગોલુ નામના બે વ્યક્તિઓ પણ રૂમમાં રહેતા હતા.

ગત 23 ઓક્ટોબરે સવારે આશરે સાત વાગ્યે મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવતા મકાનમાલિક શ્રીકાંતને શંકા ગઈ હતી. શરૂઆતમાં તેમણે સફાઈ સહિતના પ્રયાસો કર્યા હતા, પરંતુ દુર્ગંધ યથાવત રહેતા તેમણે રાજેશના શેઠ આશિષભાઈનો સંપર્ક કર્યો હતો. આશિષભાઈની મદદથી રાજેશ પરિચિતોને જાણ કરાઈ અને ત્યારબાદ પોલીસની હાજરીમાં ઉપરના માળે આવેલા રૂમનું તાળું તોડીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

રૂમની અંદરથી રાજેશ મિશ્રાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહના મોઢાની જમણી બાજુ તીક્ષ્ણ હથિયારથી ઈજા કરાઈ હોવાના નિશાન જોવા મળ્યા હતા. ઉપરાંત, ગળા અને છાતીના ઉપરના ભાગે કાળા નિશાન પણ મળી આવ્યા હતા. મૃતદેહની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે હત્યાના બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

મકાન માલિક શ્રીકાંતના જણાવ્યા પ્રમાણે, 20 ઓક્ટોબરની રાત્રે રાજેશના રૂમમાંથી ધીમા અવાજે બોલાચાલી સંભળાઈ હતી. આથી 20 ઓક્ટોબરની રાત્રે આઠ વાગ્યાથી 23 ઓક્ટોબરે સવારે સાત વાગ્યા વચ્ચે રાજેશની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બીજી તરફ, સ્થાનિક સ્તરે મળતી વિગતો મુજબ, રાજેશ 6 મહિના પહેલા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં 2 હજાર માસિક ભાડે રૂમ રાખીને રહેવા આવ્યો હતો. રાજેશની સાથે રાજાબાઈ ઉર્ફે રાણી નામની મહિલા હતી, જેને રાજેશે પોતાની પત્ની તરીકે ઓળખાવી હતી. આ સાથે જ રામ પ્રસાદ અને ગોલુ નામના ઈસમો પણ સાથે રહેતા હતા. હકિકતમાં રાજેશ અને રાજાબાઈ વચ્ચે પ્રેમ સંબંધ હતો અને રામ પ્રસાદ રાજા બાઈનો અસલી પતિ હતો, જ્યારે ગોલુ તેમનો પુત્ર હતો.

રાજેશ રાજા બાઈને પોતાની સાથે રાખતો હોય અને પતિ તથા પુત્ર પણ સાથે રહેતા હોવાથી આ પ્રેમ પ્રકરણ અને સંબંધોની ગૂંચવણમાં અવારનવાર ઝઘડા થતા હતા. આ અનૈતિક સંબંધ અને પ્રેમ પ્રકરણની અદાવતમાં જ પત્ની, પતિ અને પુત્રએ રાજેશની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હત્યા કર્યા બાદ ત્રણેય આરોપીઓ રૂમને તાળું મારીને ફરાર થઈ ગયા હોવાનું ધ્યાને રાખીને હાલ તો પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.