Rajkot: રંગીલા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વાવડી રોડ વિસ્તારમાં ગત રાત્રે બનેલી લૂંટ અને હુમલાની ઘટના બાદ પોલીસે તપાસ કરતાં સમગ્ર મામલે હત્યાનો મોટો ભેદ ખુલ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વાવડી રોડ પર આવેલી ફાલ્કન કંપની નજીક રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી 21 વર્ષીય સંતોષકુમાર મદનલાલ જમારે શરૂઆતમાં પોલીસને જણાવ્યું હતું કે, ત્રણ અજાણ્યા શખ્સોએ તેના પર જીવલેણ હુમલો કરી રોકડ રૂપિયા અને મોબાઈલ લૂંટી લીધો હતો.
સંતોષકુમારે જણાવ્યું હતું કે, તે પોતાના વતનમાં જવા માટે તૈયાર હતો અને કંપનીમાંથી 17 હજાર રૂપિયાનો ઉપાડ કર્યો હતો. રાત્રે પુનિતનગર સર્કલ પાસે મામા સાહેબના મંદિર નજીક બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ તેને અટકાવ્યો હતો.
પૈસા આપવાનો ઈન્કાર કરતાં હુમલાખોરોએ તેના પર છરીના ચાર જેટલા ઘા ઝીંકી દીધા હતા. જે બાદ રોકડ રકમ અને મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સંતોષકુમારને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
નજીકના ખાડામાંથી યુવાન મળ્યો, સારવાર પહેલાં મોત
આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસને વધુ એક આંચકો લાગ્યો હતો. હુમલાના સ્થળ નજીક વાવડી પોલીસ ચોકી પાસે આવેલા ખાડામાંથી અંદાજે 32 વર્ષીય અજાણ્યા યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. 108 મારફતે તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાની ગંભીરતાને જોતા એસીપી ચૌધરી, તાલુકા પોલીસના પીઆઈ એસ.આર. મેઘાણી તેમજ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
પોલીસ પૂછપરછમાં તૂટ્યો સંતોષકુમાર
શરૂઆતમાં મૃતકની ઓળખ થઈ શકી નહોતી, પરંતુ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સંતોષકુમારે તેને ઓળખી બતાવ્યો હતો. જે બાદ પોલીસે શંકાના આધારે સંતોષકુમારની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન સંતોષકુમાર ભાંગી પડ્યો હતો અને તેણે જ પોતાના મિત્ર દિનેશ ચૌહાણની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પ્રાથમિક તપાસમાં મોબાઈલ ફોન અને પૈસાની લેતીદેતી મુદ્દે બંને વચ્ચે વિવાદ થતાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખુલશે સત્ય
પોલીસે મૃતક દિનેશ ચૌહાણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ અને ઈજાઓ અંગે વધુ વિગતો બહાર આવશે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
