Gondal Mela Murder Case: ગોંડલના આઈકોનિક રોડ પર ચાલી રહેલા લોકમેળામાં 9 સપ્ટેમ્બરની મોડી રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. ફોટો ફ્રેમની કિંમત બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પાંચ શખ્સોએ બે યુવકો પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
આ બનાવની વિગત મુજબ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે રહેતા 26 વર્ષીય સુજલ ઉર્ફે સની શ્રીરામ શર્મા તેમના સાથીદારો સાથે ગોંડલના આઈકોનિક મેળામાં ફોટો ફ્રેમ વેચવાનો સ્ટોલ ચલાવતા હતા. રાત્રે આશરે 11:30 વાગ્યાના સુમારે કેટલાક સ્થાનિક શખ્સો સ્ટોલ પર આવ્યા અને ફ્રેમના ભાવતાલ બાબતે વેપારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
તકરાર એટલી વધી કે આરોપી રાહુલ ડોડીયાએ છરી કાઢી મૂળ મધ્યપ્રદેશના સુડૌર ગામના વતની 25 વર્ષીય રમાશંકર ઉર્ફે દીપક કમલપ્રસાદ બર્મનની છાતીના ભાગે ઘા ઝીંકી દીધો, જેના કારણે તેનું સ્થળ પર જ મોત થયું. આ દરમિયાન વચ્ચે પડેલા પ્રયાગરાજના 28 વર્ષીય વિશાલ નરેન્દ્રભાઈ શર્માના પડખામાં પણ છરીનો ઘા વાગતાતેઓ ઈજાગ્રસ્ત થયા હતા.
ઈજાગ્રસ્ત વિશાલને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ગોંડલ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સુજલ શર્માની ફરિયાદના આધારે પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં પાંચ આરોપીઓની અટકાયત કરી લીધી છે.
ઝડપાયેલા તમામ આરોપી ગોંડલના વોરાકોટડા રોડ ખાતે રહે છે. જેમાં મુખ્ય હુમલાખોર રાહુલ રાજુ ડોડીયા છે. જ્યારે અન્ય આરોપીની ઓળખ સમીર અકબર સુમરા, અલ્ફાજ રફીક શેખ, નવાજ ઈરફાન દોઢીયા અને અસફાખ મજીદ જુનેજા તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, તમામ પાંચ આરોપીને રાઉન્ડઅપ કરી અને મેળાના CCTV ફૂટેજના આધારે બનાવ અંગે વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
