વડોદરા RTO માં AI આધારિત ટેસ્ટ ટ્રેક શરૂ, માનવ હસ્તક્ષેપ નાબુદ; જાણો કેવી રીતે કામ કરશે

ટેકનિકલ કારણોસર આજની એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 02 Jun 2026 09:58 AM (IST)Updated: Tue, 02 Jun 2026 09:58 AM (IST)
vadodara-rto-ai-based-automated-digital-driving-test-track-launch
HIGHLIGHTS
  • વડોદરા RTO માં અત્યાધુનિક સુવિધાઓ
  • AI આધારિત ડિજિટલ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક

Vadodara RTO AI Driving Track: વડોદરાના વાહનચાલકો અને અરજદારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. વડોદરાના દરજીપુરામાં સ્થિત પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી (RTO) ખાતે 2 જૂન 2026 થી AI આધારિત અત્યાધુનિક ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક સત્તાવાર રીતે કાર્યરત થયો છે. નવી ટેકનોલોજીના પ્રારંભિક અમલીકરણ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

માનવ હસ્તક્ષેપ વિના થશે 100% પારદર્શક ટેસ્ટ

આ નવો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ટ્રેક સંપૂર્ણપણે સેન્સર્સ અને હાઈ-ટેક CCTV કેમેરાથી સજ્જ બનાવવામાં આવ્યો છે. હવેથી ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ પ્રક્રિયામાં માનવ હસ્તક્ષેપ (Human Interference) સાવ નાબૂદ થઈ જશે.

naidunia_image

આ ટ્રેક પર કમ્પ્યુટર જાતે જ નીચેના કડક માપદંડના આધારે અરજદારના ડ્રાઇવિંગનું મૂલ્યાંકન કરશે:

  • વાહનની ગતિ (Speed): નિયત મર્યાદામાં વાહન ચલાવવું અનિવાર્ય રહેશે.
  • પાર્કિંગ ટેસ્ટ: વાહનને ચોક્કસ બોક્સ કે એંગલમાં યોગ્ય રીતે પાર્ક કરવાનું કૌશલ્ય ચકાસાશે.
  • ઢાળ પર કંટ્રોલ: ચઢાણવાળા ભાગ પર વાહન પાછળ ધકેલાયા વગર કંટ્રોલ કરવાની ક્ષમતાની પરીક્ષા થશે.
  • સિગ્નલ અને ટ્રાફિક નિયમો: ટ્રેક પર આપેલા ટ્રાફિક સિગ્નલોનું ચોક્કસ પાલન કરવું પડશે.

આ નવી ઓટોમેટેડ સિસ્ટમ લાગુ થવાને કારણે લાયસન્સ આપવાની પ્રક્રિયા વધુ સચોટ, ઝડપી અને પારદર્શક બનશે. માત્ર સાચા અને લાયક ચાલકોને જ ડ્રાઇવિંગ લાયસન્સ મળશે, જેનાથી આવનારા સમયમાં માર્ગ સલામતીમાં મોટો સુધારો જોવા મળશે.

આજની એપોઇન્ટમેન્ટ્સ કરાઈ રિશેડ્યુલ

નવી સિસ્ટમ અત્યારે પ્રારંભિક ધોરણે શરૂ થઈ રહી છે. ટ્રેક પર કોઈ પણ પ્રકારની ટેકનિકલ ખામી કે મુશ્કેલી ઊભી ન થાય અને અરજદારોને પરેશાન ન થવું પડે, તે માટે 2 જૂન મંગળવારના રોજ મોટાભાગના અરજદારોની ડ્રાઇવિંગ ટેસ્ટ એપોઇન્ટમેન્ટને પુન નિર્ધારિત (Reschedule) કરવામાં આવી છે.

RTO કચેરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જે નાગરિકોની ડ્રાઇવિંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ આજની હતી, તેઓએ હવે નવી ફાળવવામાં આવેલ તારીખ અને સમય મુજબ જ ટેસ્ટ આપવા આવવાનું રહેશે. નવી તારીખની માહિતી તમામ સંબંધિત અરજદારોને તેમના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS અથવા ઈમેલ મારફતે મોકલી આપવામાં આવશે. તંત્રએ આ ડિજિટલ પરિવર્તનમાં જનતાને સહકાર આપવા ખાસ અપીલ કરી છે.