Vadodara News: વડોદરા શહેરના સેવાસીથી પ્રિયા સિનેમા રોડ પર વાહનચાલકોની સુવિધા માટે તાજેતરમાં જ અંદાજે રૂ. 5 કરોડના ખર્ચે એક નવો રોડ બનાવવામાં આવ્યો હતો. જોકે, આ નવનિર્મિત રોડને ‘મદ્રાસ ભવન’ના સંચાલકો દ્વારા કોઈપણ પૂર્વ મંજૂરી કે સત્તાવાર પરવાનગી વિના જ ખોદી નાખવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે.
અકસ્માતનો ભય અને લોકોમાં આક્રોશ
સરકારી નિયમોને નેવે મૂકીને મુખ્ય માર્ગ પર કરેલા આ ગેરકાયદેસર ખોદકામના કારણે કરોડોના ખર્ચે બનેલા રસ્તાના આયુષ્ય પર ગંભીર અસર પડી છે. હાલમાં રસ્તા વચ્ચે પડેલા મોટા ખાડાને કારણે વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહનો અકસ્માતનો ભોગ બને તેવી ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. જનતાના નાણાંનો દુરુપયોગ કરનાર તત્વો સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
વડોદરા મનપા દ્વારા કડક કાર્યવાહી થઈ
આ મામલો સામે આવતા વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા નીચે મુજબની કડક કાર્યવાહી કરવામાં આવી છે:
- લાયસન્સ વગર કામગીરી: તપાસમાં બહાર આવ્યું છે કે આ કામગીરી કોઈ પણ લાયસન્સ પ્લમ્બર, સર્ટિફિકેટ કે મંજૂરી વિના જ થઈ રહી હતી.
- રૂ. 2 લાખનો દંડ: નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવા બદલ મદ્રાસ ભવનના સંચાલકોને કડક નોટિસ ફટકારી રૂ. 2 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
- ખર્ચની કડક વસૂલાત: રોડની ગેરંટી (લાયબિલિટી) પૂરી થાય તે પહેલાં જ નુકસાન કરાતા, હવે તાત્કાલિક પેચવર્ક કરીને રસ્તો સરખો કરશે. આ નુકસાનીનો તમામ ખર્ચ મદ્રાસ ભવન પાસેથી કડક રીતે વસૂલશે.
આ પણ વાંચો: Vadodara: મધરાત્રે વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેંઘરાજાનું આગમન, ગરમીમાં મળી રાહત
તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ
આ ઘટનાએ પાલિકા તંત્રની દેખરેખની કામગીરી પર પણ અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક નાગરિકોએ ઉગ્ર માંગ કરી છે કે આ બેદરકારીને કારણે જો કોઈ અકસ્માત થશે તો તેની જવાબદારી પણ નક્કી થવી જોઈએ. આ ઉપરાંત, ભવિષ્યમાં કોઈ આવી જોહુકમી ન કરે તેવા દાખલારૂપ પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
