Rain In Vadodara: વડોદરામાં મધરાત્રે વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેંઘરાજાનું આગમન, ગરમીમાં મળી રાહત

છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને આખરે મોટી રાહત મળી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 01 Jun 2026 11:52 PM (IST)Updated: Mon, 01 Jun 2026 11:52 PM (IST)
rain-arrives-in-vadodara-at-midnight-with-thunderstorms-and-lightning-relief-from-the-heat

Rain In Vadodara:હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર આગાહી વચ્ચે ગત મોડી રાતે વડોદરા શહેર અને જિલ્લાના વાતાવરણમાં અચાનક ભારે પલટો આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને આખરે મોટી રાહત મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આ પ્રી-મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે, જેના પગલે વડોદરામાં મધરાતે ભારે પવન, તીવ્ર વાવાઝોડું અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદ પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને શહેરીજનોએ ગરમીથી રાહત મેળવી હતી.

સમગ્ર વડોદરા શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ

મોડી રાત્રે શરૂ થયેલા આ તોફાની વરસાદે સમગ્ર વડોદરા શહેરને બાનમાં લીધું હતું. શહેરના કારેલીબાગ, સુભાનપુરા, રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ, આજવા રોડ, વાઘોડિયા રોડ, પાણીગેટ, માંડવી અને હરણી સહિતના તમામ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક શરૂ થયેલા વાવાઝોડાને કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અટવાયા હતા અને ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ મુશળધાર વરસાદ શરૂ થયો હતો.

naidunia_image

પહેલા જ વરસાદમાં MGVCLની પોલ ખૂલી, અનેક વિસ્તારોમાં અંધારપટ

બીજી તરફ, ચોમાસા પહેલા લાઈનોની મરામત અને મેઇન્ટેનન્સનો મોટો-મોટો દાવો કરતી વીજ કંપની મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL)ની પોલ આ પહેલા જ વરસાદમાં કટોકટીપૂર્વક ખૂલી ગઈ છે. કડાકા-ભડાકા સાથેના ભારે વાવાઝોડાની શરૂઆત થતાંની સાથે જ શહેર અને ગ્રામ્યના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

naidunia_image

પવન ફૂંકાતાની સાથે જ વીજળી ગુલ થઈ જતાં તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાનો ભારે રોષ સ્થાનિક લોકોએ વ્યક્ત કર્યો હતો.

અનેક સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં અંધારપટ છવાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક તરફ ગરમીથી રાહત મળી તો બીજી તરફ વીજળી ગુલ થતાં લોકોમાં તંત્ર સામે ઉગ્ર નારાજગી જોવા મળી હતી.