Nepal Disaster Update: નેપાળમાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલ પ્રચંડ ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ અત્યંત ભયાનક બની ગઈ છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 95 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 500થી વધુ લોકો લાપતા છે. પૂરના આ વિનાશક પ્રવાહમાં નેપાળના નુવાકોટથી ચીન સરહદ સુધી જતો અત્યંત મહત્વપૂર્ણ વેપારી સંપર્ક માર્ગ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયો છે.
નુવાકોટથી ચીન બોર્ડર સુધીનો 42 કિમી હાઇવે ધોવાયો
નેપાળના સડક વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ભોટેકોશી નદીમાં આવેલ પૂરે નુવાકોટના બેત્રાવતીથી રસુવા સ્થિત રસુવાગઢી બોર્ડર ક્રોસિંગને જોડતો 42 કિલોમીટર લાંબો રોડ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધો છે.
સડક વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શુભરાજ નેઉપાનેએ જણાવ્યું હતું કે- પૂરના પ્રચંડ પ્રવાહે 42 કિલોમીટરના સમગ્ર હાઇવેને અનેક જગ્યાએથી તોડી નાખ્યો છે અને રોડ પર આવેલા અનેક મોટા કંક્રીટ બ્રિજ પાણીમાં તણાઈ ગયા છે. અમે હજુ પણ નુકસાનના વાસ્તવિક વ્યાપનું આંકલન કરી રહ્યા છીએ.
સ્યાબ્રુબેસીથી બોર્ડર તરફનો સંપર્ક પણ તૂટ્યો
તંત્રના જણાવ્યા અનુસાર, સ્યાબ્રુબેસીથી આગળ ચીન બોર્ડર તરફના 16 કિલોમીટરના હિસ્સામાં થયેલા નુકસાનની વિગતો મેળવવી મુશ્કેલ બની રહી છે. સડક વિભાગનો ત્યાં તૈનાત સુપરવાઇઝરો સાથેનો સંપર્ક પણ સંપૂર્ણપણે તૂટી ગયો છે.
આ માર્ગ ભોટેકોશી નદીના કાંઠે આવેલો હોવાથી દર વર્ષે ચોમાસામાં તેને નુકસાન પહોંચે છે. ગયા વર્ષે પણ પૂરના કારણે લ્હેંડે નદી પર આવેલો મિતરી પુલ નષ્ટ થઈ ગયો હતો. ત્યારબાદ ચીન સરકારની મદદથી સ્યાબ્રુબેસીથી બોર્ડર સુધીના 16 કિમીના માર્ગને ટુ-લેનમાં બદલવાનું કામ ચાલતું હતું, જે આજના પૂરમાં ફરી વહી ગયું છે.
આંતરરાષ્ટ્રીય વેપાર ઠપ, 500 લોકો લાપતા
નુવાકોટ-રસુવાગઢી રોડ એ નેપાળ અને ચીન વચ્ચેનો પ્રમુખ વેપારી માર્ગ (Trade Route) છે. આ માર્ગ તૂટી જવાથી બંને દેશો વચ્ચેનો રોડ માર્ગે થતો માલસામાનનો વેપાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.
બીજી તરફ, પૂરના કારણે અત્યાર સુધીમાં 291 વિદેશી પ્રવાસીઓ (જેમાં 105 ભારતીયો સમાવિષ્ટ છે) અને 93 નેપાળી નાગરિકો સહિત 500થી વધુ લોકો ગુમ છે. નેપાળી સેના અને પોલીસ દ્વારા વિષમ પરિસ્થિતિઓ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
